Wednesday, August 28, 2013

અંત : પ્રતીતિ ભાગ ૮


 ધ્વનીને લગ્નની વાત થી જ ગુસ્સો આવતો હતો . તેણે આગળ ભણવાના સપના જોયા હતા. હમણા એને લગ્નની જવાબદારી જોઈતી ન હતી. મુક્ત પંખી ની માફક ઉડવું હતું , નવા દોસ્તો બનાવવા હતા. નવી કોલેજ માં જવું હતું . નવું નવું શીખવું હતું.. જે સપના રાતના જોયા હતા એ જાણે સવાર થતા જ તૂટતા દેખાણા. એમ થયું કે મમ્મી પપ્પા બહુ જલ્દી જ તેના લગ્ન કરાવી દેશે . અને એનું મન એટલું ખિન્ન થઇ ગયું કે એ કઈ પણ બોલ્યા વગર ત્યાંથી પોતાના રૂમ માં ચાલી ગઈ.
   નવનીતભાઈ ને સવિતાબહેન તેની રૂમમાં ગયા તેને પૂછ્યું શું થયું ? અમને કહે તો ખરી કઈક ? તારા મન માં જે હોય તે કહી દે.
 ધ્વનિએ  મન મક્કમ કરીને કહ્યું મારે હજી બે વર્ષ લગ્ન નથી કરવા , મારે આગળ ભણવું છે ..
સવિતા બહેન કઇક  બોલવા જતા હતા ત્યાં નવનીતભાઈ એ એમને ઇશારા થી કઈ ન બોલવા કહ્યું  . તેમણે ધ્વનિને કહ્યું ઠીક છે તારી મરજી પ્રમાણે અમે તને આગળ ભણાવશું , પણ અમને જો કોઈ ઘર અતિશય સારું લાગે તો ચોક્કસ થી આપણે જોવાનું રાખશું. આગળ તારી મરજી પ્રમાણે જ કરશું .એ તો ચાલશે ને ?
  ધ્વનિ બે મિનીટ વિચાર કરતી રહી પછી કહ્યું ઓકે પણ એની માટે તમારે જલ્દી જલ્દી નથી કરવાની. સામેથી કોઈ વાત આવશે તો વિચારશું ..
નવનીતભાઈ કહ્યું ભલે જેમ તું કહે તેમ બસ..
ધ્વનિ રાજી થઇ ગઈ . એના સુંદર મુખ પર એક મુસ્કરાહટ આવી ગઈ . બસ નવનીતભાઈનું મન એમાં જ ખુશ થઇ ગયું . પણ સવિતાબહેન ને આ વાત ન  ગમી . એ ગુસ્સામાં બહાર ચાલ્યા ગયા .
  બીજે જ દિવસે શહેર ની સારી કોલેજ માં ધ્વનિએ એમ. બી એ નું એડમીશન  લઇ લીધું , ને હવે શરુ થઇ એની નવી દુનિયા. કે જેમાં સમીર , વર્ષા કે પછી શીતલ ના હતા.. કોલેજ માં પગ મુકતા જ ધ્વનીને ત્રણે મિત્રોની યાદ આવી ગઈ . હવે અહિયાં કોણ કેવું છે કેમ ખબર પડે ? કોની સાથે મૈત્રી કરવી ? શરૂઆત કેવી રીતે કરવી ? ધ્વનીને વિચાર આવ્યો કે આટલા બધા કોર્સ રાખવાની બદલે એક જ કોર્સ હોય તો કેવું સારું કે બધા મિત્રો હંમેશ માટે સાથે જ રહે. પછી પોતાના જ વિચાર પર પોતાને હસવું આવ્યું .
 સમીર પણ એમ બી એ કરતો હતો પણ બીજી કોલેજ માં વર્ષા એ એમ કોમ લીધું ને શીતલે તેનું બોલેલું નિભાવ્યું એણે ભણતર ને પોતાની  જિંદગીમાંથી  વિદાઈ આપી ને સીધી લંડન પોતાનાં કાકાને ત્યાં ફરવા ચાલી ગઈ ..
શરૂઆત માં થોડા દિવસ જુના મિત્રો મળી રહેતા પણ એ ગાળો મોટો થતો ગયો .. ફોન થી વાત કરી લેતા . ધ્વનિના નવા મિત્રો બની ગયા .. પણ તે કોઈ સાથે વધારે સમય પસાર ન કરતી તેમની સાથે પાર્ટી ઓ માં જતી નહિ . કોલેજ પુરતું જ મળવાનું રાખ્યું હતું.પહેલું વર્ષ પૂરું થઇ ગયું હતું. હંમેશની જેમ ધ્વનિ પરીક્ષા પણ સારી રીતે પાર કરી ને સારા માર્ક્સ મેળવ્યા . બીજું વર્ષ શરુ થયું . જ્યારે પણ સમય મળે ને રજા હોય ત્યારે ધ્વનિ પોતાના પપ્પાની ઓફિસમાં જતી ને પોતાના ભણતર નો ઉપયોગ ઓફિસની સીસ્ટમ બદલવામાં કરતી. સ્ટાફ ધ્વનિથી પણ ખુશ હતો. ધ્વનિએ બધાના પગાર વધારી આપ્યા. કારણ ધ્વનિનું દ્રઢ પણે માનવું હતું કે કામ કરવાવાળા લોકોની કદર કરીએ તો આપણા કામ માં બરકત આવે. .
  આમને આમ બીજું વર્ષ પણ પૂરું થયું ..આખરે  ધ્વનિ એમ બી એ થઇ જ ગઈ.. ને એ પણ સારી રીતે. હવે શું ? એ વિચાર ધ્વનિએ કર્યો  . ત્યારે એણે વિચાર્યું કે જો હવે આગળ ભણીશ તો હવે નો કોર્સ પૂરો થાય એટલું મમ્મી નહિ ખમી શકે . તો એના કરતા હું ઓફિસમાં ધ્યાન આપું , સાંજ પડે  ઘરનું કામકાજ શીખું , જેનાથી મમ્મી પણ રાજી થાય .પરણવું તો પડશે જ.
તેણે પોતાનો નિર્ણય મમ્મી પપ્પાને કહ્યો બંને બહુ રાજી થયા. રાતના જ સવિતાબહેને કહ્યું બધા ધ્વનિ માટે હવે બહુ જ પૂછે છે તો હવે તો હા પાડું ને
નવનીતરાયે  ત્યારે તો હા પાડી દીધી પણ નિંદર જાણે ખોવાઈ ગઈ .. એક જ વિચાર કે શું મારી દીકરી આટલી મોટી થઇ ગઈ ? શું મારે એને બીજાના ઘરે વળાવી દેવાની ? એ લોકો સંભાળશે જ, એની શું ખાત્રી ? હું આટલા મોટા ઘરમાં એના વગર જીવી કેવી રીતે શકીશ ? સવાલો જાણે બંધ જ નહોતા થતા. સવિતાબહેનને ખબર હતી કે પતિ આટલા બેચેન શું કામ છે  ? એમણે ધીરેથી કહ્યું સુઈ જાવો , દીકરી આપણી હોતી જ નથી , બધા વળાવે છે આપણે પણ વળાવવી પડશે. બસ પ્રાર્થના કરો કે સારું ઘર ને સારો  વાર મળે. સવિતાબહેન ની આંખમાંથી અશ્રુ સારી પડ્યા . ને નવનીતરાય પણ એમનો હાથ પકડીને રડી પડ્યા. તેમને કહ્યું સવિતા, ખાલી દીકરી વાળાવવાના વિચારથી આપણી આ હાલત છે તો વાળાવાશું પછી શું થાશે ? બંને એક બીજાને સાંત્વન દેતા દેતા સુઈ ગયા. નવનીતરાય વિચારતા હતા કે દીકરીના માતા પિતા કેટલા લાચાર હોય છે કે જે દીકરી ને ફૂલની જેમ મોટી કરી હોય એ દીકરીને બીજાને સોપી દેવાની . એલોકોને કેમ ખબર પડે કે મારી દીકરીને શું ભાવે શું ન ભાવે  ? શું ગમે શું ન ગમે ? શું થશે કેમ થશે એ વિચારે આખી રાત એમનો પીછો ન છોડ્યો. પણ એમને એ પણ ખબર હતી કે કેટલું પણ વિચારું તોય દીકરી વળાવવી તો પડશે જ..
   રાતના થાક્યો માણસ જ્યારે સુવે છે ત્યારે તેને પણ ક્યા ખબર હોય છે નવા દિવસનો સુરજ આ દુનિયાની ધરતી પર રહેતા એક એક માણસની ચિંતા કરતો સવારનાં પહોરમાં આશાની કિરણો લઈને ઉગે છે ને ધ્યાન રાખે છે કે કોઈ પણ એની આશાની કિરણોથી વંચિત ન રહી જાય. . બધાને બને એટલું સુખ આપીને પછી તે સાંજે વિદાય લે છે . ને કોઈ માનવીને નથી ખબર હોતી કે એના ભાગ માં આજે સુરજ દેવતાએ  કેટલું સુખ આપ્યું છે ?
 એવું જ કઇક નવનીતરાય સાથે થયું , આટ આટલી ફિકર લઈને સુતેલા નવનીતરાય જ્યારે ઉઠ્યા ત્યારે એમને પણ ક્યા ખબર હતી કે આજનો દિવસ એમની માટે કેટલી હાલચલ લાવવાનો હતો.  

1 comment:

  1. samanya rite jem mrutyuna vicharthi manvI gabharai che em
    dikrini vidaythi pan dare che.
    Chhatan samay samaye aapne nirdharit karya karvu pade che-aa
    niyam badaloyo nathi ane badalashe pan nahi.
    anil.

    ReplyDelete