સવારના ઉઠતાની સાથે
પહેલો વિચાર એ જ આવ્યો કે જે રાતનાં વિચારીને સુતા હતા. પાછું એ જ ધ્વનિના લગ્નની
વાત , ધ્વનીને વળાવવાની વાત .. પણ એમને એ વિચાર ખંખેરી ને કામે ચડવાનું વીચાર્યું
કારણ એમને ખબર હતી કે આ વિચાર એમને પાગલ કરી મુકશે ..તૈયાર થઈને લગભગ ૯ વાગે તેઓ
ઓફિસે જવા નીકળ્યા . ધ્વનિ પણ તેમની સાથે જ ઓફિસે જતી હતી. ઘરેથી નીકળી દેરાસર
જઈને જ તેઓ ઓફિસે જતા . નીકળતા વખતે એમને હતું જ કે રાતની વાતનો જવાબ જે એમણે
સવિતાને આપ્યો નહોતો એ નીકળતા વખતે સવિતા પાછો પૂછશે કે “ હું હવે છોકરાવાળાઓ ને હા પાડું ને ?” તે પૂછે એ પહેલા જ એમણે સવીતાબહેન ને કહ્યું “ સવિતા, હજી થોડો સમય આપ , વિચારીને કહું છુ “ સવિતાબહેને હસીને કહ્યું “ સારું , પણ જલ્દી “
નવનીતરાય હાશકારો લઈને ઓફીસ જવા નીકળ્યા .
સવિતાબહેન, પતિનો ચહેરો જોઇને તેમનું મન પારખી શકતા હતા. આજે સવારથી તેઓ વધારે
બોલતા પણ ન હતા . નાસ્તો પણ બરોબર નહોતો કર્યો. તેમને ખબર હતી કે પતિ થી ધ્વનીને
વળાવવાની વાત સહન જ નહોતી થતી. પણ તેમને એ પણ ખબર હતી કે પોતે જ પતિને તૈયાર કરવા
પડશે, ને દીકરી વળાવવા મજબુત કરવા પડશે .કારણ દીકરીનાં માતાપિતા પાસે બીજો કયો
વિકલ્પ હોય છે ?
નવનીતરાય , ધ્વનિ સાથે ઓફીસ જવા નીકળ્યા પણ આખે
રસ્તે તેઓ કઈ જ નહોતો બોલ્યા . મનમાં એક જ સવાલ “ હું ધ્વનિ વગર કેવી રીતે જીવીશ ?”
ધ્વનીને વિચાર પણ આવ્યો કે કઈ વાતથી પપ્પા આટલા ચિંતિત છે . પૂછવાનો વિચાર પણ આવ્યો પણ પછી વિચાર્યું કે મારા જેવું
હશે તો મને કહેશે. દેરાસર આવ્યું , ધ્વનિ એ દસેક મિનીટ સુધી દેરાસર માં જાપ કર્યા
. નવનીતરાયે દર્શન કર્યા પછી બે ત્રણ લોકો ઓળખીતા મળ્યા એમની સાથે વાતો કરી ત્યાં સુધી
ધ્વનિ કાર પાસે આવી ગઈ ને બંને ઓફિસે જવા રવાના થયા.
ઓફીસના કામામાં તેઓ ધ્વનિનાં લગ્નનો વિચાર થોડી
વાર માટે જાણે ભૂલી ગયા. બપોરનાં એક વાગે તેઓ ધ્વનિ સાથે જમવા બેસવાની તૈયારી કરતા
હતા . ત્યાં તેમને તેમના વેપારી મિત્ર મનસુખરાયનો ફોન આવ્યો . મનસુખરાયના ફોનથી નવનીતરાયને બહુ અચરજ થયું .
કારણ રસ્તામાં પણ જો તેઓ બંને એકબીજાને મળી જાય તો પણ ફક્ત જય જીનેન્દ્ર થી વધારે
વાત કરવાનો વ્યવહાર ન હતો. એ હજી વિચાર કરતા હતા ત્યાં સામેથી મનસુખરાયનો અવાજ
સંભળાયો “ કેમ છો નવનીતશેઠ ?” નવનીતરાયે તરત જવાબ આપ્યો “ બોલો બોલો મનસુખભાઈ , આજે તમે મને યાદ
કર્યો ? કહો શું સેવા કરું આપની ?”
મનસુખભાઈએ જવાબ આપ્યો “ અરે ધંધાનું કઈ કામ નથી
નવનીતભાઈ . એક અંગત વાત કરવી હતી, જો કઈ તકલીફ ન હોય તો સાંજે મારી ઓફિસે આવો. શાંતિ
થી વાત થાય “
નવનીતરાયે પોતાના આશ્ચર્ય ને કાબૂમાં રાખીને કહ્યું “હા હા ચોક્કસ મળીયે સાંજે . પણ જો શેના
માટે છે એ કહી દીધું હોત તો સારું રહેત . સાંજ સુધી હું મારા વિચારોથી જ હેરાન થઇ
જઈશ “
મનસુખભાઈ સામેથી જોર જોર થી હસવા લાગ્યા ને બોલ્યા “ ડરો નહિ તમારે ત્યાં કોઈ રેડ નથી પાડવાની
“
હવે નવનીતભાઈ ને નક્કી ખબર પડી ગઈ કે મનસુખભાઈ હમણા નહિ જ કહે એટલે એમણે વાત
ને ત્યાં બંધ કરી ને સાંજ નો સમય નક્કી કર્યો ..
પણ ફોન મુકતાની સાથે એમના વિચારો એ હવે રસ્તો બદલ્યો હતો , જે વિચાર રાતથી
ધ્વનિ પર કેન્દ્રિત હતો તે હવે મનસુખભાઈ શું કહેવાના હતા તેની પર શરુ થયો. એમણે
કેટકેટલી વાતો વિચારી જોઈ પણ એમને સમજાતું ન હતું કે તેઓ શું કહેશે ? હવે તો સાંજ
ની રાહ જોયે જ છુટકો હતો..
એ જ વિચાર સાથે એમણે જમવાનું
પતાવ્યું . આજે પહેલીવાર એમણે જમવાનો સ્વાદ જાણે માણ્યો ન હતો.. જે વિચારે આખી રાત
સુવા ન દીધું એ વિચાર હવે આ વિચાર સામે નાનો લાગતો હતો.
આખરે સાંજ પડી. તેમને ધ્વનિ ને સાથે
લઇ જવાનું ઉચિત ન લાગ્યું એટલે તેમણે ધ્વનીને ઘરે મોકલાવી ને કહ્યું હું ટેક્ષીમાં
આવી જઈશ .
ધીરે ધીરે તેઓ મનસુખભાઈની ઓફિસનો
દાદરો ચડવા લાગ્યા, મનનાં વિચારો ઓછા નહોતા થતા કે શું હશે? શું હશે ? મનસુખભાઈએ એમનું ઉષ્માભર્યું સ્વાગત
કર્યું . સૌ પ્રથમ મનસુખભાઈએ ચાહ ને નાસ્તો મંગાવ્યા . મનસુખભાઈ શાંતિથી ધંધાની
વાતો કરતા હતા. આખરે નવનીતભાઈ થી ન રહેવાણુ એટલે તેમણે પૂછ્યું “ શેઠ આ બધી વાતો મુકો
ને મને કહો કે એવું તે શું કામ હતું કે તમે મને અહિયાં ઓફિસે બોલાવ્યો .
મનસુખભાઈ , નવનીતભાઈની બેચેની જોઇને મરક મરક હસવા લાગ્યા , ને નવનીતભાઈને એ મુસ્કાનમાં જાણે
બહુ મોટી વાત છુપાયેલી હોય એવું લાગ્યું , એ રાહ જોવા લાગ્યા કે મનસુખભાઈ શું કહેશે
?
ક્રમશ
No comments:
Post a Comment