Saturday, August 31, 2013

અંતઃ પ્રતિતિ ભાગ 10



નવનીતરાય રાહ જોતા હતા કે મનસુખભાઈ જલ્દી થી બોલાવાનું કારણ કહે.. ને મનસુખભાઈએ બોલવાનું શરુ કર્યું , તેમણે કહ્યું નવનીતભાઈ , મારા પુત્ર વિષે તમને થોડું કહેવાનું હતું એટલે તમને બોલાવ્યાં. મારા પુત્રનું નામ મનોજ છે . તેણે એમ.બી.એ લંડનમાં કર્યું છે ને ગયા વર્ષથી તે હવે ઘરના બિઝનેસને સંભાળે છે . અને એક વાત એ પણ કહી દઉ  કે તે, હવે મારા કરતા પણ વધારે સારી રીતે બીઝનેસ સંભાળે છે .   ને હવે હું મારી માટે વહુ ગોતું છુ .
આ સાંભળી નવનીતરાયે વિચાર્યું કે ઓહો આ વાત માટે મને બોલાવ્યું હતું કે જો કોઈ સારું માંગુ હોય તો હું એમને સૂચવું . પણ એમનું ધ્યાન પાછુ પોતાની દીકરી ધ્વનિ તરફ વળી ગયું જેના વિષે તેઓ કાલથી વિચારતા હતા. એમને થયું કે જુવાન દીકરા દીકરીઓ થાય એટલે બધા માતા પિતા બસ આ જ વિચાર કરતા હશે . પણ એમણે વિચાર્યું કે આ વાત તો મનસુખભાઈ એમને ફોન પર પણ કહી શકતા હતા.  ને પછી વિચાર આવ્યો કે મનસુખભાઈ ને તો આખો જૈન સમાજ ઓળખતો હતો તો એમને ક્યા મારી જરૂરત પડે . પોતે જ પોતાના વિચારોમાં ગૂંચવાતા હતા. તેમને સમજણ નહોતી પડતી કે શું કામ મને બોલાવ્યો.
  હવે મનસુખરાયને એમ થયું કે જો હવે મનની વાત નવનીતરાયને નહિ કહે તો નવનીતરાયને હવે સાચે જ ગભરામણ થવા લાગશે . એટલે મનસુખભાઈ એ કહેવાનું શરુ કર્યું નવનીતરાય થોડા દિવસ પહેલા મારે કામસર વાલકેશ્વર આવવાનું થયું હતું. મારે મીટીંગ હતી પણ હું વહેલો પહોંચી ગયો હતો , તો થયું ચાલો જરા દાદાનાં દર્શન કરી લઉં , એટલે હું ત્યાના દેરાસર માં ગયો તો ત્યાં જોયું તો એક દીકરી બહુ તલ્લીન થઈને દાદાની પૂજા કરતી હતી , તેને આજુબાજુની દુનિયામાં કોઈ રસ નહોતો .. મને તેના એ સુંદર ભાવ , એ સ્વરૂપવાન દીકરી એટલી ગમી ગઈ કે તેને હું મારી પુત્રવધુ બનાવવાનું સપનું જોવા લાગ્યો. કારણ આજના જુવાનીયાઓ  પાસેથી પ્રભુ પ્રત્યેનો આટલો ભાવ જોવા મળવું બહુ મુશ્કેલ છે . હવે મને ખબર કેમ પડે કે એ કોની દીકરી છે ? એટલે મેં ત્યાં દેરાસર માં જ તે દીકરી કોની છે એ પુચ્છા કરી તો જાણવા મળ્યું કે એ દીકરી તમારી છે . જેણે હાલમાં જ એમ બી એ ની પરીક્ષા આપી છે ને હવે તમારી સાથે ઓફીસ સંભાળે છે . એટલે મેં નક્કી કર્યું કે હું આ વાત બીજાને કરું એ તમને કરે એના કરતા હું જ તમારી સાથે વાત કરું તો સારું રહેશે .ને એટલે જ આજે મેં તમને ઓફિસમાં બોલાવાની તકલીફ આપી. હું જ તમારી ઓફિસમાં આવત પણ એક તો તમારી દીકરી ત્યાં હોત ને બીજું તમારી ઓફિસમાં લીફ્ટ નથી તો હું દાદરા ન ચડી શકત , તો તમને તકલીફ આપી એ બદલ હું માફી માંગુ છુ .પણ જો તમને વાંધો ન હોય તો અને દીકરા દીકરી ને ઈચ્છા હોય તો આપણે વાત ચલાવીએ હું તમારી દીકરી નો હાથ મારા દીકરા માટે માંગુ છુ
નવનીતરાય ચુપચાપ સાંભળતા જ રહ્યા કે મનસુખરાય શું બોલે છે ? એમનું મગજ જાને સુન્ન થઇ ગયું હતું. મનસુખરાય કે જેમનું નામ જૈન સમાજ કે પછી બજાર માં કે પછી એમના ધંધા માં કે પછી દાન ધર્મ કરવામાં બધી રીતે આગળ  પડતું હતું . તે વ્યક્તિ ને ધ્વનિ ગમી ગઈ હતી ને આજે તેઓ પોતાના દીકરા માટે ધ્વનીનો હાથ માંગતા હતા. આજે એમને સવિતાબહેનની વાત યાદ આવી કે જ્યારે કોઈ સારા ઘરનું માંગુ આવે ને આપણે કહેવું પડે કે ના હજી અમારી દીકરીને વાર છે ત્યારે મારી શું હાલત થાય એ તમને નહી ખબર પડે. સવિતાબહેનની એ વાત પર નવનીતભાઈ હસીને કહેતા સવિતા તું તો હદ જ કરે છે , આપણી દીકરી આપણને  પરણાવવી છે કે નહિ એ આપણી મરજી છે એમાં બીજાથી શું ડરવાનું  ? પણ આજે એ જ હાલત નવનીતરાય ની પોતાની હતી . જે રાત સુધી વિચાર કરતા હતા કે હું મારી દીકરી ને કેવી રીતે વળાવીશ એ જાણે આજે દીકરી પરણાવવા માટે ઉતાવળા થઇ ગયા. એમને થયું તેઓ હમણા જ હા પાડી દે. પણ મનની ખુશીને થોડી કાબૂમાં રાખીને તેમને મનસુખભાઈને કહ્યું મનસુખભાઈ , આ અમારા અહોભાગ્ય છે કે આપને મારી દીકરી પસંદ આવી . પણ હું તમને, ઘરે પૂછીને જવાબ આપવાનું યોગ્ય ગણીશ . હું તમને આજે રાત્રે જ ફોન કરીને જણાવી દઈશ .
મનસુખભાઈ એ એમના ફેસલા ને વધાવી લીધો ને કહ્યું હા એ સાચી વાત છે કે દીકરી ને અને એમની મમ્મી બંને ને વાત કરી લ્યો. ને હા તમે ખાસ એ જાણજો કે દીકરીનાં જીવનમાં કોઈ બીજું પાત્ર તો નથી ને.
મનસુખભાઈની ઓફિસમાં જતા વખતે ને કદાચ રાતથી જ તેઓ કેટલા સવાલોમાં મૂજાયેલા હતા , મનસુખભાઈને મળીને એમ થયું કે જાણે બધી ચિંતાઓ પ્રભુએ લઇ લીધી . એમને સવિતાની વાત યાદ આવી કે કેવું ઘર મળશે એ દાદાને વિચારવા દ્યો કારણ દાદા પોતે જ ધ્વનિ માટે એવું ઘર ગોતશે કે જ્યાં એમનું સ્થાન હશે . જ્યાં એમની પૂજા થતી હશે ને સાચે જ મનસુખભાઈનુ ઘર એવું જ હતું.. જૈન ધર્મના સંસ્કારો થી ભરપુર હતું .
  ઘરે જતી વખતે તેમણે ટેક્ષી કરી ને મનસુખભાઈ સાથેની બધી વાતો યાદ કરવા લાગ્યા . એમના માનવામાં નહોતું આવતું કે તેઓ આટલા નસીબદાર છે કે દીકરી માટે આટલું સારું માંગુ સામેથી આવ્યું .
ને ત્યાં એમને યાદ આવ્યું કે મનસુખભાઈએ કહ્યું હતું કે તમે ખાસ એ જાણજો કે દીકરીનાં જીવનમાં કોઈ બીજું પાત્ર તો નથી ને.
અને બસ. સારા વિચારો પર  આ એક ખરાબ વિચારે જાણે કબજો જમાવી લીધો , ને આનંદ , તકલીફમાં પરિવર્તન થઇ ગયો. આટલા સારા ઘરનું ઠેકાણું શું દીકરીના નસીબ માં નહી હોય ? તેઓ મનમાં ને મનમાં  આજના ચાલતા વાતાવરણને દોષ દેવા લાગ્યા ને વિચારવા લાગ્યા કે મારી દીકરી તો સારી જ છે પણ વાતાવરણ ની અસર મારી દીકરી પર તો નહી  પડી હોય ને ??
સવાલ પર સવાલ એક પછી એક ચાલવા લાગ્યા . શું ધ્વનીને કોઈ સાથે પ્રેમ હશે ? એ કેવો હશે ? શું એ જૈન હશે ? જો જૈન નહી હોય તો ધ્વનિ ને એની સાથે કેવી રીતે ફાવશે ? શું ધ્વનીને વાતાવરણ બગાડી શકે ?
 સવાલોની હારમાળા એ જાણે નવનીતરાયને  બેચેન કરી મુક્યા. ઘરે પહોચવું જાણે ભારે થઇ ગયું હતું. પછી વિચાર આવ્યો કે દીકરી, મા થી કદી  કઈ ન છુપાવે. સવિતાને બધું જ ખબર હશે . એમણે ખીસામાંથી મોબાઈલ બહાર કાઢ્યો . રોજ સવિતા યાદ કરીને મોબાઈલ આપે. ત્યારે રોજ નવનીતરાય કહેતા કે ઓફિસમાં ફોન છે કાર માં આવું જાવ છુ . આ રમકડું મને ન આપતી જા. આનો ભાર લાગે છે મને . પણ આજે એજ રમકડું એમને પ્રિય લાગ્યું . એમણે ઘરે ફોન કર્યો . સામેથી સવીતાબહેને ઉપાડયો. ને ફોન માં નવનીતરાય નો અવાજ સાંભળીને તેઓ ડરી ગયા . કારણ મોબાઈલ તેઓ કદી  વાપરતા જ નહી . એમને ડર લાગી ગયો કે નવનીતરાયની તબિયત તો સારી હશે ને ? તોય સવિતાબહેને સમતા  રાખીને પૂછ્યું શું થયું કેમ મોબાઈલ કરવો પડ્યો ?  સવિતા બહેનની ચિંતા એમના અવાજમાં નવનીતરાય ઓળખી ગયા ને આટલી ચિંતા માં પણ તેમને હસવું આવી ગયું . એમને કહ્યું સવિતા બધું બરોબર છે , આ તો થોડી વાત જાણવી હતી એટલે તને ફોન કર્યો .મને એક સવાલે  બહુ મુંઝવી નાખ્યો છે .
 સવિતા બહેને આશ્ચર્યથી નવનીતરાય ને પૂછ્યું એવો કેવો સવાલ કે ઘરે આવવા સુધી ની રાહ ન જોઈ શક્યા
ત્યારે નવનીતરાયે કહ્યું સવિતા, એક દીકરી , મા થી કદી  કઈ ન છુપાવે , તું મને ખાલી એક વાત નો જવાબ હા કે ના માં આપી દે કે શું ધ્વનિના જીવનમાં કોઈ યુવક છે ? શું ધ્વનિ કોઈને પ્રેમ કરે છે ? શું ધ્વનિ એ કોઈ દિવસ આવી કઈ પણ વાત તને કરી છે ?
  આટલું બોલીને નવનીતરાય ચુપ થઈ  ગયા. હવે એમને ઉતાવળ હતી કે સવિતાબહેન જલ્દી જવાબ આપે . ત્યાં સવિતાબહેન નો અવાજ સામેથી આવ્યો કેમ આવો સવાલ કરો છો ? શું તમે કોઈ સાથે ધ્વનીને જોઈ છે ?
નવનીતરાય જવાબ ની આશાએ બેઠા હતા, એટલે એમને સવિતાબહેન ના સવાલો થી ચીડ ચડી , તેઓ ગુસ્સામાં બોલ્યા સવિતા સવાલો સામે સવાલો ન કર જે ખબર હોય તે કહે .
  સામે સવિતાબહેન જાણે ચુપ થઇ ગયા. કારણ નવનીતરાય કદી  ગુસ્સે ન થતા .. ને નવનીતરાય આતુરતાથી જવાબ ની રાહ જોવા લાગ્યા.
                                                               ક્રમશ   


અંતઃ પ્રતિતિ ભાગ ૯



  સવારના ઉઠતાની સાથે પહેલો વિચાર એ જ આવ્યો કે જે રાતનાં વિચારીને સુતા હતા. પાછું એ જ ધ્વનિના લગ્નની વાત , ધ્વનીને વળાવવાની વાત .. પણ એમને એ વિચાર ખંખેરી ને કામે ચડવાનું વીચાર્યું કારણ એમને ખબર હતી કે આ વિચાર એમને પાગલ કરી મુકશે ..તૈયાર થઈને લગભગ ૯ વાગે તેઓ ઓફિસે જવા નીકળ્યા . ધ્વનિ પણ તેમની સાથે જ ઓફિસે જતી હતી. ઘરેથી નીકળી દેરાસર જઈને જ તેઓ ઓફિસે જતા . નીકળતા વખતે એમને હતું જ કે રાતની વાતનો જવાબ જે એમણે સવિતાને આપ્યો નહોતો એ નીકળતા વખતે સવિતા પાછો પૂછશે કે હું હવે છોકરાવાળાઓ ને હા પાડું ને ? તે પૂછે એ પહેલા જ એમણે સવીતાબહેન ને કહ્યું સવિતા, હજી થોડો સમય આપ , વિચારીને કહું છુ સવિતાબહેને હસીને કહ્યું સારું , પણ જલ્દી
 નવનીતરાય હાશકારો લઈને ઓફીસ જવા નીકળ્યા . સવિતાબહેન, પતિનો ચહેરો જોઇને તેમનું મન પારખી શકતા હતા. આજે સવારથી તેઓ વધારે બોલતા પણ ન હતા . નાસ્તો પણ બરોબર નહોતો કર્યો. તેમને ખબર હતી કે પતિ થી ધ્વનીને વળાવવાની વાત સહન જ નહોતી થતી. પણ તેમને એ પણ ખબર હતી કે પોતે જ પતિને તૈયાર કરવા પડશે, ને દીકરી વળાવવા મજબુત કરવા પડશે .કારણ દીકરીનાં માતાપિતા પાસે બીજો કયો વિકલ્પ હોય છે ?
 નવનીતરાય , ધ્વનિ સાથે ઓફીસ જવા નીકળ્યા પણ આખે રસ્તે તેઓ કઈ જ નહોતો બોલ્યા . મનમાં એક જ સવાલ હું ધ્વનિ વગર કેવી રીતે જીવીશ ?  ધ્વનીને વિચાર પણ આવ્યો કે કઈ વાતથી પપ્પા આટલા ચિંતિત છે . પૂછવાનો  વિચાર પણ આવ્યો પણ પછી વિચાર્યું કે મારા જેવું હશે તો મને કહેશે. દેરાસર આવ્યું , ધ્વનિ એ દસેક મિનીટ સુધી દેરાસર માં જાપ કર્યા . નવનીતરાયે   દર્શન કર્યા પછી બે ત્રણ લોકો ઓળખીતા મળ્યા એમની સાથે વાતો કરી ત્યાં સુધી ધ્વનિ કાર પાસે આવી ગઈ ને બંને ઓફિસે જવા રવાના થયા.
 ઓફીસના કામામાં તેઓ ધ્વનિનાં લગ્નનો વિચાર થોડી વાર માટે જાણે ભૂલી ગયા. બપોરનાં એક વાગે તેઓ ધ્વનિ સાથે જમવા બેસવાની તૈયારી કરતા હતા . ત્યાં તેમને તેમના વેપારી મિત્ર મનસુખરાયનો ફોન આવ્યો .  મનસુખરાયના ફોનથી નવનીતરાયને બહુ અચરજ થયું . કારણ રસ્તામાં પણ જો તેઓ બંને એકબીજાને મળી જાય તો પણ ફક્ત જય જીનેન્દ્ર થી વધારે વાત કરવાનો વ્યવહાર ન હતો. એ હજી વિચાર કરતા હતા ત્યાં સામેથી મનસુખરાયનો અવાજ સંભળાયો કેમ છો   નવનીતશેઠ ?” નવનીતરાયે તરત જવાબ આપ્યો બોલો બોલો મનસુખભાઈ , આજે તમે મને યાદ કર્યો ? કહો શું સેવા કરું આપની ?
મનસુખભાઈએ જવાબ આપ્યો અરે ધંધાનું કઈ કામ નથી નવનીતભાઈ . એક અંગત વાત કરવી હતી, જો કઈ તકલીફ ન હોય તો સાંજે મારી ઓફિસે આવો. શાંતિ થી વાત થાય
નવનીતરાયે પોતાના આશ્ચર્ય ને કાબૂમાં રાખીને કહ્યું હા હા ચોક્કસ મળીયે સાંજે . પણ જો શેના માટે છે એ કહી દીધું હોત તો સારું રહેત . સાંજ સુધી હું મારા વિચારોથી જ હેરાન થઇ જઈશ
મનસુખભાઈ સામેથી જોર જોર થી હસવા લાગ્યા ને બોલ્યા ડરો નહિ તમારે ત્યાં કોઈ રેડ નથી પાડવાની
હવે નવનીતભાઈ ને નક્કી ખબર પડી ગઈ કે મનસુખભાઈ હમણા નહિ જ કહે એટલે એમણે વાત ને ત્યાં બંધ કરી ને સાંજ નો સમય નક્કી કર્યો ..
પણ ફોન મુકતાની સાથે એમના વિચારો એ હવે રસ્તો બદલ્યો હતો , જે વિચાર રાતથી ધ્વનિ પર કેન્દ્રિત હતો તે હવે મનસુખભાઈ શું કહેવાના હતા તેની પર શરુ થયો. એમણે કેટકેટલી વાતો વિચારી જોઈ પણ એમને સમજાતું ન હતું કે તેઓ શું કહેશે ? હવે તો સાંજ ની રાહ જોયે જ છુટકો હતો..
   એ જ વિચાર સાથે એમણે જમવાનું પતાવ્યું . આજે પહેલીવાર એમણે જમવાનો સ્વાદ જાણે માણ્યો ન હતો.. જે વિચારે આખી રાત સુવા ન દીધું એ વિચાર હવે આ વિચાર સામે નાનો લાગતો હતો.
આખરે સાંજ પડી.  તેમને ધ્વનિ ને સાથે લઇ જવાનું ઉચિત ન લાગ્યું એટલે તેમણે ધ્વનીને ઘરે મોકલાવી ને કહ્યું હું ટેક્ષીમાં આવી જઈશ .
 ધીરે ધીરે તેઓ મનસુખભાઈની ઓફિસનો દાદરો ચડવા લાગ્યા, મનનાં વિચારો ઓછા નહોતા થતા કે શું હશે?  શું હશે ? મનસુખભાઈએ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું . સૌ પ્રથમ મનસુખભાઈએ ચાહ ને નાસ્તો મંગાવ્યા . મનસુખભાઈ શાંતિથી ધંધાની વાતો કરતા હતા. આખરે નવનીતભાઈ થી ન રહેવાણુ એટલે તેમણે પૂછ્યું  શેઠ આ બધી વાતો મુકો ને મને કહો કે એવું તે શું કામ હતું કે તમે મને અહિયાં ઓફિસે બોલાવ્યો .
મનસુખભાઈ , નવનીતભાઈની બેચેની જોઇને મરક મરક હસવા લાગ્યા , ને નવનીતભાઈને એ મુસ્કાનમાં જાણે બહુ મોટી વાત છુપાયેલી હોય એવું લાગ્યું , એ રાહ જોવા લાગ્યા કે મનસુખભાઈ શું કહેશે ?

                                                                                     ક્રમશ 

Wednesday, August 28, 2013

અંત : પ્રતીતિ ભાગ ૮


 ધ્વનીને લગ્નની વાત થી જ ગુસ્સો આવતો હતો . તેણે આગળ ભણવાના સપના જોયા હતા. હમણા એને લગ્નની જવાબદારી જોઈતી ન હતી. મુક્ત પંખી ની માફક ઉડવું હતું , નવા દોસ્તો બનાવવા હતા. નવી કોલેજ માં જવું હતું . નવું નવું શીખવું હતું.. જે સપના રાતના જોયા હતા એ જાણે સવાર થતા જ તૂટતા દેખાણા. એમ થયું કે મમ્મી પપ્પા બહુ જલ્દી જ તેના લગ્ન કરાવી દેશે . અને એનું મન એટલું ખિન્ન થઇ ગયું કે એ કઈ પણ બોલ્યા વગર ત્યાંથી પોતાના રૂમ માં ચાલી ગઈ.
   નવનીતભાઈ ને સવિતાબહેન તેની રૂમમાં ગયા તેને પૂછ્યું શું થયું ? અમને કહે તો ખરી કઈક ? તારા મન માં જે હોય તે કહી દે.
 ધ્વનિએ  મન મક્કમ કરીને કહ્યું મારે હજી બે વર્ષ લગ્ન નથી કરવા , મારે આગળ ભણવું છે ..
સવિતા બહેન કઇક  બોલવા જતા હતા ત્યાં નવનીતભાઈ એ એમને ઇશારા થી કઈ ન બોલવા કહ્યું  . તેમણે ધ્વનિને કહ્યું ઠીક છે તારી મરજી પ્રમાણે અમે તને આગળ ભણાવશું , પણ અમને જો કોઈ ઘર અતિશય સારું લાગે તો ચોક્કસ થી આપણે જોવાનું રાખશું. આગળ તારી મરજી પ્રમાણે જ કરશું .એ તો ચાલશે ને ?
  ધ્વનિ બે મિનીટ વિચાર કરતી રહી પછી કહ્યું ઓકે પણ એની માટે તમારે જલ્દી જલ્દી નથી કરવાની. સામેથી કોઈ વાત આવશે તો વિચારશું ..
નવનીતભાઈ કહ્યું ભલે જેમ તું કહે તેમ બસ..
ધ્વનિ રાજી થઇ ગઈ . એના સુંદર મુખ પર એક મુસ્કરાહટ આવી ગઈ . બસ નવનીતભાઈનું મન એમાં જ ખુશ થઇ ગયું . પણ સવિતાબહેન ને આ વાત ન  ગમી . એ ગુસ્સામાં બહાર ચાલ્યા ગયા .
  બીજે જ દિવસે શહેર ની સારી કોલેજ માં ધ્વનિએ એમ. બી એ નું એડમીશન  લઇ લીધું , ને હવે શરુ થઇ એની નવી દુનિયા. કે જેમાં સમીર , વર્ષા કે પછી શીતલ ના હતા.. કોલેજ માં પગ મુકતા જ ધ્વનીને ત્રણે મિત્રોની યાદ આવી ગઈ . હવે અહિયાં કોણ કેવું છે કેમ ખબર પડે ? કોની સાથે મૈત્રી કરવી ? શરૂઆત કેવી રીતે કરવી ? ધ્વનીને વિચાર આવ્યો કે આટલા બધા કોર્સ રાખવાની બદલે એક જ કોર્સ હોય તો કેવું સારું કે બધા મિત્રો હંમેશ માટે સાથે જ રહે. પછી પોતાના જ વિચાર પર પોતાને હસવું આવ્યું .
 સમીર પણ એમ બી એ કરતો હતો પણ બીજી કોલેજ માં વર્ષા એ એમ કોમ લીધું ને શીતલે તેનું બોલેલું નિભાવ્યું એણે ભણતર ને પોતાની  જિંદગીમાંથી  વિદાઈ આપી ને સીધી લંડન પોતાનાં કાકાને ત્યાં ફરવા ચાલી ગઈ ..
શરૂઆત માં થોડા દિવસ જુના મિત્રો મળી રહેતા પણ એ ગાળો મોટો થતો ગયો .. ફોન થી વાત કરી લેતા . ધ્વનિના નવા મિત્રો બની ગયા .. પણ તે કોઈ સાથે વધારે સમય પસાર ન કરતી તેમની સાથે પાર્ટી ઓ માં જતી નહિ . કોલેજ પુરતું જ મળવાનું રાખ્યું હતું.પહેલું વર્ષ પૂરું થઇ ગયું હતું. હંમેશની જેમ ધ્વનિ પરીક્ષા પણ સારી રીતે પાર કરી ને સારા માર્ક્સ મેળવ્યા . બીજું વર્ષ શરુ થયું . જ્યારે પણ સમય મળે ને રજા હોય ત્યારે ધ્વનિ પોતાના પપ્પાની ઓફિસમાં જતી ને પોતાના ભણતર નો ઉપયોગ ઓફિસની સીસ્ટમ બદલવામાં કરતી. સ્ટાફ ધ્વનિથી પણ ખુશ હતો. ધ્વનિએ બધાના પગાર વધારી આપ્યા. કારણ ધ્વનિનું દ્રઢ પણે માનવું હતું કે કામ કરવાવાળા લોકોની કદર કરીએ તો આપણા કામ માં બરકત આવે. .
  આમને આમ બીજું વર્ષ પણ પૂરું થયું ..આખરે  ધ્વનિ એમ બી એ થઇ જ ગઈ.. ને એ પણ સારી રીતે. હવે શું ? એ વિચાર ધ્વનિએ કર્યો  . ત્યારે એણે વિચાર્યું કે જો હવે આગળ ભણીશ તો હવે નો કોર્સ પૂરો થાય એટલું મમ્મી નહિ ખમી શકે . તો એના કરતા હું ઓફિસમાં ધ્યાન આપું , સાંજ પડે  ઘરનું કામકાજ શીખું , જેનાથી મમ્મી પણ રાજી થાય .પરણવું તો પડશે જ.
તેણે પોતાનો નિર્ણય મમ્મી પપ્પાને કહ્યો બંને બહુ રાજી થયા. રાતના જ સવિતાબહેને કહ્યું બધા ધ્વનિ માટે હવે બહુ જ પૂછે છે તો હવે તો હા પાડું ને
નવનીતરાયે  ત્યારે તો હા પાડી દીધી પણ નિંદર જાણે ખોવાઈ ગઈ .. એક જ વિચાર કે શું મારી દીકરી આટલી મોટી થઇ ગઈ ? શું મારે એને બીજાના ઘરે વળાવી દેવાની ? એ લોકો સંભાળશે જ, એની શું ખાત્રી ? હું આટલા મોટા ઘરમાં એના વગર જીવી કેવી રીતે શકીશ ? સવાલો જાણે બંધ જ નહોતા થતા. સવિતાબહેનને ખબર હતી કે પતિ આટલા બેચેન શું કામ છે  ? એમણે ધીરેથી કહ્યું સુઈ જાવો , દીકરી આપણી હોતી જ નથી , બધા વળાવે છે આપણે પણ વળાવવી પડશે. બસ પ્રાર્થના કરો કે સારું ઘર ને સારો  વાર મળે. સવિતાબહેન ની આંખમાંથી અશ્રુ સારી પડ્યા . ને નવનીતરાય પણ એમનો હાથ પકડીને રડી પડ્યા. તેમને કહ્યું સવિતા, ખાલી દીકરી વાળાવવાના વિચારથી આપણી આ હાલત છે તો વાળાવાશું પછી શું થાશે ? બંને એક બીજાને સાંત્વન દેતા દેતા સુઈ ગયા. નવનીતરાય વિચારતા હતા કે દીકરીના માતા પિતા કેટલા લાચાર હોય છે કે જે દીકરી ને ફૂલની જેમ મોટી કરી હોય એ દીકરીને બીજાને સોપી દેવાની . એલોકોને કેમ ખબર પડે કે મારી દીકરીને શું ભાવે શું ન ભાવે  ? શું ગમે શું ન ગમે ? શું થશે કેમ થશે એ વિચારે આખી રાત એમનો પીછો ન છોડ્યો. પણ એમને એ પણ ખબર હતી કે કેટલું પણ વિચારું તોય દીકરી વળાવવી તો પડશે જ..
   રાતના થાક્યો માણસ જ્યારે સુવે છે ત્યારે તેને પણ ક્યા ખબર હોય છે નવા દિવસનો સુરજ આ દુનિયાની ધરતી પર રહેતા એક એક માણસની ચિંતા કરતો સવારનાં પહોરમાં આશાની કિરણો લઈને ઉગે છે ને ધ્યાન રાખે છે કે કોઈ પણ એની આશાની કિરણોથી વંચિત ન રહી જાય. . બધાને બને એટલું સુખ આપીને પછી તે સાંજે વિદાય લે છે . ને કોઈ માનવીને નથી ખબર હોતી કે એના ભાગ માં આજે સુરજ દેવતાએ  કેટલું સુખ આપ્યું છે ?
 એવું જ કઇક નવનીતરાય સાથે થયું , આટ આટલી ફિકર લઈને સુતેલા નવનીતરાય જ્યારે ઉઠ્યા ત્યારે એમને પણ ક્યા ખબર હતી કે આજનો દિવસ એમની માટે કેટલી હાલચલ લાવવાનો હતો.  

Monday, August 26, 2013

અંતઃપ્રતિતિ ભાગ ૭

  ધ્વનિએ બે મિનીટ માટે પોતાની આંખો બંધ કરી લીધી ને પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, સમીર મને કઈ પૂછે નહિ . સમીર આખરે  એની નજીક પહોંચી ગયો . સમીરે , ધ્વનીને પૂછ્યું હમેંશ ખીલખીલાતો  ચહેરો, કેમ આજે અચાનક મુરઝાયેલો લાગે છે . કઈ વાતથી હૃદયને પીડા થઇ એ જણાવીશ . મને પણ ખબર છે કે હવે કઈ જ બદલી નથી થવાનું . પણ કહી  ને મન હળવું તો કરી જ શકે છે ને . ધ્વનિએ હળવાશથી મુસ્કરાઈને કહ્યું જિંદગી માં એવું કઈ જ ન કરવું જેનાથી બીજાને દુખ પહોચાડીને પોતાને ફાયદો થાય . એના કરતા પોતાનું નુકશાન સારું. અને બહુ બધી વાત દટાઈ જવા જન્મી હોય છે .. તો હવે એને ખોતરીને શું કરવાનું ? એટલું કહીને એ શીતલ  સાથે ચાલવા લાગી . પણ મનમાં ને મનમાં વિચારવા લાગી કે સમીર ની નજર બહુ તેજ છે કે એ મારા મુખના હાવભાવ ઓળખી ગયો . પણ હવે આ વાતને અહિયા ભૂલવી જ સારી .
  ધ્વનિ  પોતાની સખી વર્ષા પાસે ગઈ ને એને સમીર સાથેના પ્રેમસબંધ માટે અભિનંદન આપ્યા. ને બધા ખુશી ખુશી પોતાના ઘર તરફ રવાના થયા. ધ્વનિના મનમાં હજી પણ તુફાન ચાલતું હતું પણ તેણે ભૂલવાની પૂરી કોશિશ કરી . ઘરના ઓ ને પણ આજે ધ્વનિમાં કઈક ફરક લાગ્યો પણ કોઈ કઈ બોલ્યું નહિ . નવનીતભાઈ એ બહુ વાર કહ્યું કે ચાલ પૂછીએ પણ સવિતાબહેને અટકાવી દીધા કે હવે દીકરી મોટી થઇ ગઈ છે . કહેવા જેવું હશે તો પોતે કહેશે , વધારે પૂછવું આજ ની યુવા પેઢી ને ન ગમે.  માંડ નવનીતભાઈ માન્યા. સવારનાં ધ્વનિ રોજ ની જેમ નોર્મલ હતી . કારણ એણે વિચાર્યું કે એક તરફી પ્રેમ માં ફરિયાદ કરવી તો કોને ? પોતે જ પોતાને સંભાળવું પડે. ને ધ્વનિએ પોતે પોતાને સંભાળી લીધું .
 પરીક્ષા નજીક આવતી હોવાથી બધા જ, બીજા બધા વિચારો એક બાજુ મુકીને તૈયારી  માં લાગી ગયા . બધાનું આ વર્ષ છેલ્લું હતું . ક્યારેક બધા સાથે બેસીને તો ક્યારેક બધા પોતપોતાના ઘરે ભણી  લેતા. ધ્વનિ ને વધારે એકલું ભણવું ગમતું . બીજા  પંદર દિવસ નીકળી ગયા . પરીક્ષાનો સમય પણ આવી ગયો . બધા પાછાં કોલેજમાં ભેગા થયા . બધાએ પોત પોતાની તૈયારી વિષે વાત કરી . અને પરીક્ષાનો બેલ વાગતા જ બધા હોલ માં ગયા. પેપર હાથમાં નહોતું આવ્યું ત્યાં સુધી બધાને થોડો ડર લાગતો હતો પણ પેપર હાથમાં આવતા બધાએ હળવાશ અનુભવી કારણ પેપર બહુ જ સહેલું હતું . ૩ કલાક માં પેપર પતાવીને ભેગા થયા. બધાના મુખ પર આનંદ હતો . હવે બધાને ઘરે જવાની જલ્દી હતી કારણ બીજા દિવસે બીજું પેપર હતું . એક પછી એક દિવસ વીતવા લાગ્યા ને પેપર પતવા લાગ્યા . આખરે છેલ્લા પેપર વખતે બધાને એમ થયું જાણે હવે આગળની મંઝીલ તરફ એક પગલું વધ્યા હોય.
પરીક્ષા પતતા જ નવનીતભાઈ, સવિતા બહેન ને ધ્વનિ કુલુ મનાલી ફરવા નીકળી ગયા .  દસ દિવસનો પ્રોગ્રામ હતો, આમે ધ્વનીને કુદરતી વાતાવરણ સાથે બહુ જ પ્રેમ હતો . તે ત્યાના વાતાવરણ માં ખોવાઈ ગઈ. ઘરે આવ્યા પછી હવે એની પાસે કઈ જ કરવાનું ન હતું કારણ રિજલ્ટ ને હજી એક મહિનાની વાર હતી . એટલે તે પોતાના પપ્પાની ઓફીસ માં જવા લાગી . ધ્વનિની કલ્પનાઓને જાણે પાંખો મળી ગઈ . ધીરે ધીરે ઓફીસના વાતાવરણથી પરિચિત થવા લાગી . રેહાના વિષે પપ્પા પાસે થી બહુ સાંભળ્યું હતું., તેની સાથે દોસ્તી થઇ ગઈ ને તેની પાસેથી તે ઓફિસની વાતો શીખવા લાગી . મહિનો ક્યા વીતી ગયો ખબર જ ના પડી. અને એક સવાર એવી પડી કે જે દિવસે રિજલ્ટ આવવાનું હતું   આજે તો તે પોતે જ કાર લઈને કોલેજ ગઈ . ત્યાં પહોચતા જ તેણે પોતાના ત્રણે મિત્રોને હસતા હસતા બહાર આવતા જોયા.. તેમના હસતા ચહેરા જોઇને ધ્વનિના મનને શાતા વળી કે ચાલો આ ત્રણે ને તો સફળતા મળી ગઈ છે . હવે એને પોતાના રિજલ્ટ ને જોવાની તાલાવેલી લાગી હતી . ધ્વનિ કાર પાર્ક કરીને પોતાના મિત્રો પાસે પહોંચી ને બધાને એમાંના રિજલ્ટ વિષે પૂછ્યું . તો શીતલ અને વર્ષા એ  ફર્સ્ટક્લાસ કહ્યું અને સમીરે ફર્સ્ટક્લાસ વિથ ડીસ્ટીક્શન  કહ્યું . ધ્વનિ એ બધાને ખૂબ અભિનંદન આપ્યા . ધ્વનિએ પૂછ્યું મારું રિજલ્ટ જોયું કે નહિ ? તો જવાબ આપવાને બદલે બધા અચાનક ચુપ થઇ ગયા . અને એમનાં  આવા પ્રતિભાવ થી ધ્વનિને ફાળ  પડી કે શું થયું હશે. બધાને મનોમન હસવું આવતું હતું પણ ધ્વનિ ને હેરાન કરવાનો મૂડ  બધાને  બનાવી લીધો હતો. .
 એ દોડીને ક્લાસ માં પોતાનું રિજલ્ટ લેવા ગઈ ત્યાં રસ્તામાં એના જ ક્લાસમાં ભણતી સીમા મળી ને કહ્યું ધ્વનિ અભિનંદન તે તો ફર્સ્ટક્લાસ  ફર્સ્ટ વિથ ડીસ્ટીક્શન , ને આખી કોલેજમાં સૌથી વધારે ગુણાંક મેળવ્યા છે.. તેણે સીમાનો આભાર માન્યો . ને પાછળ વળીને  ગુસ્સેથી પોતાના મિત્રો તરફ જોયું કે જે જોર જોર થી હસતા હતા . એમની હસવાની રીત જોઇને ધ્વનિ ને પણ હસવું આવી ગયું . ને એ ક્લાસમાં પોતાનું રિજલ્ટ લેવા ચાલી ગઈ . બહાર આવી ને મિત્રો એ પાર્ટી પાર્ટી ની બુમો ચાલુ કરી દીધી . મોબાઈલ થી પપ્પાને મમ્મી આ ગુડ ન્યૂસ આપ્યા પણ વચમાં જ શીતલે ફોન લઈને કહ્યું અંકલ અમને આજે ગ્રાંડ પાર્ટી જોઈએ . નવનીતભાઈ એ હસતા હસતા કહ્યું હા બેટા બધા રાત્રે ૮ વાગે તાજ માં પહોંચી જાજો . તમે બધા આવી જજો .. આપને ધ્વનિની સફળતા ને ધૂમધામથી ઉજવીશું .આજનો દિવસ વહેલું નહિ જમીએ. એક દિવસ માટે દાદાની માફી માંગી લઈશું  બધા રાજી થઇ ગયા.
            હોટેલ તાજ એટલે મુંબઈનું હૃદય . ગેટ વે ઓફ ઇન્ડીયા ની સામે બે તાજ , એક નવી તાજ ઇન અને એક જૂની તાજ . જુના સમયમાં રચેલી સુંદર તાજ . ! જૂની તાજ માં ૫૬૦ રૂમ છે જેમાં ૪૪ તો આલીશાન મહારાજા જેવા સ્યુટ છે . તેમાં એક રાજાના મહેલમાં હોય એવી બધી જ સગવડ છે ..ને બારીઓનાં ઝરુખેથી સામે જ સુંદર ઘૂઘવતો સાગર દેખાય છે . ત્યાનું ફૂડ પણ એટલું જ સરસ હોય છે... તાજ નો સ્ટાફ પણ એટલો જ વિનમ્ર અને આદરસત્કાર આપવા વાળો . એટલે જ તો ત્યાની લોકપ્રિયતા ક્યારેય ઓછી ન થઇ ઉતરોતર વધતી જ ગઈ .  તાજ માં જવું એ એક મિડલ ક્લાસના વ્યક્તિ માટે એક સ્વપ્ન જ હોય છે . કે જે આજે ધ્વનિના ત્રણે મિત્રો નું સ્વપ્ન પૂરું થવાનું હતું.
   સાંજે જ્યારે તેઓ હોટેલ માં પહોચ્યા . ધ્વનિના મિત્રો તો બસ ત્યાની કલાકૃતિ જોવામાં જ મગ્ન થઇ ગયા . એમને એવું લાગતું જ ન હતું કે તેઓ મુંબઈ માં હતા.. કારણ આવું મુંબઈ તો એમણે પહેલી જ વાર જોયું હતું . સૂપ, સ્ટાર્ટર થી કરીને ડેસર્ટ સુધી બધુ લીધુ. જમવામા  બધુ જૈન હતુ . બધાએ અંકલ આંટી નો ખૂબ ખૂબ આભાર માન્યો. પછી નવનીતભાઈની રજા લઈને બધા લોંગ ડ્રાઈવ માટે નીકળી ગયા .તેમણે જલ્દી પાછુ આવવાનું વાયદો  લઈને બધાને જાવા દીધા .
ઘરે આવતા આવતા ધ્વનિ ને ૧૧ વાગ્યા. બધા જ તેની રાહ જોઇને બેઠા હતા. કારણ પહેલી વાર આજે ધ્વનિ આટલી મોડે સુધી બહાર હતી . બધા સાથે પંદર મિનીટ બેઠા પછી બધા પોત પોતાની રૂમમાં સુવા ગયા.
  ને ધ્વનિ પોતાની રૂમ માં જઈને ફ્રેશ થઇ ને સુતા સુતા વિચારવા લાગી હવે શું ? કોલેજ ની સફર પૂરી થઇ હવે આગળ શું ભણવાનું ? એને શીતલની વાત યાદ આવી કે બસ હવે મારે નથી ભણવું . થોડા દિવસ જલસા કરીશ ને પછી પરણી જઈશ. એને શીતલની વાત યાદ આવીને હસવું આવી ગયું . પોતાને તો હજી ભણવું હતું . કાલે પપ્પા સાથે આ બાબતે વાત કરીશ એમ વિચારીને કોલેજ નાં દિવસો યાદ કરતા કરતા ક્યારે નીંદર આવી ગઈ એ એને ખબર જ ના પડી .
 સવારે પોતે જ નીંદર ઉડી , એ બહાર આવી ત્યાં તો મમ્મી ને પપ્પાને કહેતા સાંભળ્યા કે હવે સારું ઘર મળે તો દીકરીને વિદાય આપશું . બહુ લોકો પૂછતા રહેતા હોય છે.  
    ત્યાં બંને નું ધ્યાન ધ્વનિ તરફ ગયું . ને ધ્વનિ મોઢું ફેરવીને પાછી રૂમમાં ચાલી ગઈ.. ને નવનીતભાઈ ને સવિતા બહેન બંને ને ફાળ પડી એ તરત એની રૂમમાં દોડ્યા.
       

Sunday, August 25, 2013

અંતઃપ્રતિતિ ભાગ ૬


 આ જમાનામાં પણ તેઓ નવકારશી પાળતા હતા . તેથી સંધ્યા થાય તે પહેલા તેમના ઘરે બધા જામી લેતા . સંધ્યાકાળ વીતી જાય પછી કોઈ જમતું નહતું . ઘણી વખત નવનીતરાય વિચારતા કે આ જમાનામાં મારી દીકરી લાયક કોઈ મુરતિયો ના મળ્યો તો ! કેમકે આજના જમાનામાં તો પાર્ટીમાં જવું , પિકચર જોવા દોસ્તો સાથે  ફરવા જવું એ બધું સામાન્ય વાત હતી. કે જે ધ્વનિને ગમતી ન હતી ...કોલેજનાં પહેલાજ વર્ષમાં ધ્વનિએ અઠ્ઠાઈની તપસ્યા કરી હતી . પહેલા તો નવનીતરાયે  નાં પાડી પણ પોતાની પુત્રીની અતુટ ઈચ્છા જોઈ રજા આપી . તો તે દિવસે અપાસરામાં જઈને મહારાજ સાહેબ પાસેથી અનુમતિ લઈને પહેલી વાર અઠ્ઠાઈ કરવા દીધી . નવનીતરાય એ આઠ દિવસ ફક્ત ધ્વનિને જ જોતા હતા . કે એની તબિયત પર જ તેમનું ધ્યાન હતું. પણ ધ્વનિ તો જાણે કઈ જ નવું  નહોતું કર્યું. એવી રીતે જ રહેતી હતી  એ જ કોલેજ માં જવું એજ દેરાસર જવું , નવનીતભાઈ ને સવિતાબહેન બસ આની માટે દાદાની કૃપા જ ગણતા હતા. ધ્વનિની એ જ તો ખાસિયત હતી કે જે વિચારે તે એ કરીને જ રહેતી . આ બધું વિચારીને જ એના માટે એના જેવો મુરતિયો ને એને સમજે તેવું કુંટુંબ મળશે કે નહિ એ જ દિવસ રાત વિચારતા. પણ સવિતાબહેન હંમેશ કહેતા તમે ચિંતા નાં કરો , દાદા ને ફિકર કરવા દ્યો એ એવું જ ઘર ધ્વનિ માટે શોધી આપશે જ્યાં તમનો વસવાટ હોય . તમે ફિકર ન કરો ને સવિતાબહેનની આ વાત નવનીતભાઈ નું મન કબુલ પણ કરતુ . પણ બહારનું વાતાવરણ જોઇને પાછાં ક્યારેક ડરી જતા.
 એક રવિવારે તેમની જ્ઞાતિ નો પ્રોગ્રામ હતો જેમાં નવનીતભાઈ મુખ્ય અતિથી  રૂપે હતા. તે દિવસે ધ્વનિએ ડ્રેસ ની બદલીમાં આચા આસમાની રંગ ની સાળી પહેરી હતી એ સાળીમાં તે એટલી સુંદર લાગતી હતી કે જાને આસમાન ધરતી પર ઉતરી આવ્યું હતું. ! પ્રોગ્રામમાં જેનું પણ ધ્યાન તેની તરફ જતું બધા બે ઘડી એને જોતા જ રહી જતા હતા . એ માટે જ તે કદી  પણ જ્ઞાતિનાં પ્રોગ્રામ માં જતી નહિ કારણ લોકો ખાલી ઘૂરતા જ નહિ એની જ સામે એની મમ્મીને પૂછતા કે તમારી દીકરી કેટલા વર્ષની થઇ ? ક્યારે લગ્ન લેવા છે  ?  કેટલું ભણી છે ? કેવો છોકરો જોઈએ છે ? જાણે એક બજાર લઈને લોકો જાત જાતના છોકરા લઈને બેઠા હોય એવો ભાસ ત્યારે ધ્વનિને થતો કે લ્યો ભાઈ લ્યો ,જેવો જોઈએ તેવો મળી રહેશે .. ગોતવા લાગો , તમારી પસંદ કહો ..
 ને સવિતાબહેન તો મલકાઈ મલકાઈ ને ના પાડતા થાકી જતા કે ના હજી તો તે ભણે છે હજી બે વર્ષની વાર છે . :
 ને બધા નાનું મોઢું કરીને ત્યાંથી એવા હટતા કે પાછાં આવતા જ નહિ . એમ લાગતું કે હવે તેઓ બે વર્ષે જ દેખાશે ..  
 ઘરે આવ્યા પછી ધ્વનિ બહુ ગુસ્સે થતી કે બસ મને આ જ બધી વાતો ન ગમે એટલે જ હું નાં પાડું કે મારે જ્ઞાતિનાં પ્રોગ્રામમાં નથી આવવું પણ તમે મારું માનો જ નહિ. સવિતાબહેન તેને શાંત પાડતા કે દીકરી બધાને સારી સુદર વહુ જોઈતી હોય કે જે તેમનું ઘર સંભાળે જેનાથી તેમનું ઘર સુંદર લાગે ને તું સુંદર છો તો લોકોનું ધ્યાન તો ખેચાવાનું જ ને.. અમે ક્યા તને પરણાવી દેવાના છીએ .. તને મોકલી દેવાથી અમારું ઘર પણ તો ખાલી થઇ જશે ને.. ને મમ્મી વધારે લાગણીશીલ બને એ પહેલા જ કહેતી ઓકે ઓકે મમ્મી હું સમજી ગઈ ને તે ત્યાંથી ચાલી જતી.
 આમ જ સમય પસાર થતો ગયો ને જોતજોતામાં ધ્વનિ કોલેજના ત્રીજા વર્ષમાં આવી ગઈ . એક વખત ગ્રુપમાં બેઠા બેઠા બધા વાતો કરતા હતા કે ભવિષ્યમાં કોણ શું બનશે ? ત્યારે શીતલે કહ્યું બસ હવે મારે અભ્યાસ નથી કરવો. હું તો થાકી ગઈ ભણી ભણી ને..એકાદ બે વર્ષ મમ્મી પપ્પાના રાજ માં મજા કરી લઉં ને પછી કોઈ સારો છોકરો જોઇને પરણી જવાનું . હું તો હજી MBA. FIANCE નું ભણીશ , મારે તો ખૂબ ભણવું છે. ધ્વનિએ વર્ષા સામે જોયું ને પૂછ્યું તું શું ભણીશ આગળ ? વર્ષાનું ધ્યાન તરત જ સમીર તરફ ગયું . બંને એ એકબીજા સામે મંદમંદ હસ્યા .ધ્વનિને આ ઈશારો સમજાણો ખરી , પણ એ કઈ બોલે એ પહેલા કોલેજ ના બીજા લેકચરની બેલ વાગી ને બધાએ પરાણે ઉભા થવું પડ્યું , પણ ચાલતા ચાલતા ધ્વનિ એ સમીરને પૂછી તો લીધું જ કે સમીર તું શું ભણવાનો છે આગળ ? તો સમીરે કહ્યું મારે એમ બી એ કરવું છે ને કોઈ મોટી કંપની માં સારી જોબ કરવી છે .
 ક્લાસ આવી જતા બધા લેકચર ભરવા ક્લાસ માં ગયા. હવે ધ્વનિ વિચારવા લાગી કે લાગે છે આ બંને ને એકબીજા સાથે પ્રેમ છે .. પણ મને ખબર કેમ ન  પડી ? ધ્વનિ ની ધડકન થોડી ફાસ્ટ ચાલવા લાગી કારણ એ પણ છેલ્લા થોડા સમયથી સમીરને પ્રેમ કરવા લાગી હતી એને સમીર ગમવા લાગ્યો હતો પણ દોસ્તી તૂટી ના જાય એ ડરે એ ચૂપ થઇ જતી હતી . પણ હવે તેને લાગ્યું કે સારું જ થયું કે તે ના  બોલી કારણ આ પ્રેમ ૨ વર્ષ જુનો હતો એ તેને હમણા  જ શીતલ પાસેથી જાણવા મળ્યું હતું..
  ધ્વનિએ ખુશ થવાની પૂરી કોશિશ કરી પણ એના ચહેરાની રેખાઓ સમીરે વાચી જ લીધી ને એ ધીરે થી એની પાસે આવ્યો . એના નજીક આવવાથી ધ્વનિ નું હૃદય ખૂબ જોર થી ધડકવા લાગ્યું એ ડરી ગઈ કે સમીર શું કહેશે ?

Friday, August 23, 2013

અંતઃપ્રતિતિ ભાગ ૫

નવનીતભાઈ એ પોતાના ટેબલ નાં ખાનામાંથી એક સરસ મજાની મોંઘી  પેન અને એક નાનું મીઠાઈ નું પેકેટ રેહાનાને આપ્યું ને કહ્યું રેહાના આજે તને એક ટાઈપીસ્ટમાંથી મારી સેક્રેટરી બનવાને ચાર વર્ષ થયા . ને રેહાનાની આંખમાંથી અશ્રુ સારી પડ્યા . તેણે ઉભી થઈને પોતાના સર ને પગે લાગ્યું ને કહ્યું સર , કારખાનામાં કામ કરવાવાળા ની કદર કરતા તો કોઈ આપ પાસે શીખે .
નવનીતભાઈએ કહ્યું રેહાના,હું પણ બીજા કોઈક પાસેથી જ શીખ્યો છું. ને એ વાત મેં હંમેશ યાદ રાખી એટલે જ હું આટલો આગળ વધી શક્યો છુ. ને તું તારી મહેનતથી આગળ વધી છે .
  રેહાના સ્મિત સાથે સર નો આભાર માનીને  વસ્તુઓ લઈને ઓફીસમાંથી બહાર આવી . નવનીતભાઈ એના ગયા પછી એના વિષે વિચારવા લાગ્યા . મિસ . રેહાના જ્યારે ટાઈપીસ્ટ ની નોકરી માટે આવી હતી ત્યારે કેટલી ડરેલી, ગભરાયેલી હતી . તે ખૂબ જ સુંદર ,દેખાવડી હતી ને કામ કરવાની એનામાં ખૂબ ધગશ હતી , અગ્રેજી ભાષા પર સારો કાબૂ, તેની પોતાની મહેનત ,સુઝબુઝ ને  લગન ને લીધે તેને નવનીતભાઈ એ પોતાની સેક્રેટરી  બનાવી લીધી , તે જાતના પારસી હતા . તેથી તેમની ભાષા પણ મીઠી હતી . નવનીતભાઈ તેને દીકરીની જેમ જ ગણતા. ઓફિસમાં પણ તેનું ખૂબ માન હતું .
      આમ, પણ નવનીતભાઈનો સ્વભાવ ખૂબજ સારો હોવાથી સ્ટાફના દરેકની સમસ્યાઓને પોતાની ગણી બનતી મદદ કરતાં તેથી સ્ટાફમાં પણ તેઓ એક આદર્શ બોસ હતા. .
  થોડીવાર પછી તેમણે પોતાને આવેલા ઈ-મેઈલ ચેક  કર્યા . કામનાં ને મહત્વના મેઈલનાં જવાબ ખુદ આપતા . બાકીના ને રેહાના ને ડાયવર્ટ કરી દેતા તે જવાબ આપતી . આશિષ , તેમની કંપની નાં બધાજ એકાઉન્ટ એ ધ્યાનથી સંભાળતો . એ પણ ખૂબ જ વિશ્વાસુ . બધા સાથે મળી ચર્ચા વિચારણા કરતાં ને નવા પ્રોજેક્ટ હાથ ધરતા .
 બપોરે મનુકાકાએ બનાવેલ ગરમા ગરમ રસોઈ લઈને ડ્રાઈવર ટીફીન લઈને આવતો . તેઓ ૧.૩૦ વાગે જમીને થોડી વાર પોતાની આરામખુરશી માં આરામ કરતાં . થોડીવાર આરામ કરીને ફ્રેશ થઈને તેઓ કામ પતાવીને રેહાના ને જરૂરી સૂચના આપીને ૪.૩૦ વાગે ઘરે જવા નીકળી જતા. તેમના ગયા પછી પણ સ્ટાફ પૂરેપૂરો ઈમાનદારી થી પોતાનું કામ કરતો, કોઈ કામ ચોરી ન કરતુ .
     રોજ સવારે જ્યારે ધ્વનિની કોલેજ પાસે ધ્વનિની કાર ઉભી રહેતી ત્યારે આજુબાજુ ઉભેલા બધાની આંખોમાં એક ચમક આવી જતી . કેમકે તેમાંથી એક સાદગીની સૌંદર્યવાન મૂરત ઉતરતી હતી . તેની સાદગી માં પણ એક આગવું સ્વરૂપ હતું . જે એને જોવે એને જોતા જ રહી જાય . પપ્પાને આવજો કહીને તે ધીરે ધીરે બધા ઓળખીતા ફ્રેન્ડસ ને હાય હલો ને ગુડમોર્નિંગ  કહીને આગળ વધતી તો બધા પોતાની નજર બે ઘડી માટે ધ્વનિ પરથી હટાવી ન શકતા . કોલેજના કેટલાયે નવજુવાન છોકરાઓ તેની સાથે દોસ્તી કરવા તરસતા . પણ ધ્વનિએ કોઈ સાથે નિકટતા વધારી નહોતી . તેના ગ્રુપમાં તેઓ ફક્ત ૪ ફ્રેન્ડસ હતા, તે, વર્ષા, સમીર ને શીતલ . બધા જૈન હતા . ત્રણ છોકરીઓ વચ્ચે સમીર એક જ છોકરો હતો . સમીરના નસીબ પર કોલેજમાં  ઘણા લોકોને ઈર્ષા હતી . બધા મનોમન વિચારતા કે સમીર શાહ કેટલો નસીબદાર છે કે તે ધ્વનીનો ફ્રેન્ડ છે .
 કોલેજમાં આવતા જ ધ્વનિની આંખો એની સખી વર્ષાને ગોતતી . જેવી તે દેખાય એટલે એને ભેટી ને તે એને ગુડમોર્નિંગ કહેતી . ત્યારે તેની આંખોમાં એક અલગ ચમક આવી જતી . પછી તમેની સાથે શીતલ પણ જોડાતી . બધા સાથે જ કોલેજના  દાદરા ચડીને ક્લાસમાં જતા . ત્યાં સમીર તો પહેલેથી જ હાજર હોય . કોલેજનાં લેકચર ભરીને બ્રેક માં કોલેજ ની કેન્ટીનમાં સાથે બેસીને નાસ્તો કરતાં . ને કોલેજ પૂરી કરીને કે પછી ફ્રી લેક્ચરમાં એમની વાતો ખૂટતી જ નહોતી . એક્ઝ્મ નજીક હોય તો આ જ બધા લાઈબ્રેરીમાં બેસીને કામની પુસ્તકમાંથી જરૂરી નોટ્સ લખી લેતા . કોલેજનો સમય પૂરો થાય એટલે ડ્રાઈવર ગાડી લઈને આવી જતો ત્યારે બધા ફ્રેન્ડસ ને એમના ઘરે મુકીને તે ઘરે જતી .
તેના કોલેજ માં ગયા પછી જે ઘર એકદમ શાંત બની જતું એ એના આવવાથી ઘરમાં પાછી રોનક આવી જતી. બધા તેની રાહ જોઇને જ બેઠા હોય . મનુંકાકા ગરમાગરમ કોફી ને નાસ્તો તૈયાર જ રાખ્યો હોય . આવીને તે ફ્રેશ થઈને તરત નાસ્તો કરતી . ત્યારે એને મમ્મી સામે જ જોઈતી ..નાસ્તો પતાવીને માં દીકરી બંન્ને પ્રતિક્રમણ કરવા બેસતા .
પછી નવનીતભાઈ પોતાના બહારના કામ પતાવીને ઘરે આવતા . થોડું ફ્રેશ થઈને મનુકાકાની બનાવેલ  કોફી લઈને બધા ગાર્ડન માં બેસતા ને આખા દિવસની વાતો ની આપ લે કરતા . પછી ધ્વનિ,મમ્મી પપ્પાને થોડી વાર એકલા મુકીને દરિયા કિનારે બેસવા જતી .. ને દરિયાની લહેરો સાથે પોતાની મનની વાતો કરતી . તેને એકાંત બહુ પ્રિય હતું.. પોતાનું પણ ને બીજાને આપવું પણ .

 નવનીતભાઈ વિચારતા હતા કે આનાથી વધારે એક માનવી ને શું જોઈએ ? કદાચ એમની પાસે બધું જ છે. પણ પાછો તેમનાં મનમાં આવેલ થોડો  પણ અભિમાન તે ખંખેરી નાંખતા . ને સાચી જ વાત હતી ને એમને પણ ક્યા ખબર હતી કે ભવિષ્યના ગર્ભમાં શું સમાયેલું હતું ?