Wednesday, September 25, 2013

અંતઃ પ્રતિતિ ભાગ ૧૫

પરત 15

દાગીનાની  ડબ્બીમાંથી તેમણે સોનાની ચેઇન ઓમ નાં પેંડલ સાથે હતી એ ધ્વનિ ને પહેરાવી  ને કપાળ પર ચુંબન કરીને તેઓ બોલ્યા : વહુ બેટા , સદા ખુશ રહો , આજે મારું સપનું પૂરું થયું કે મને શુશીલ અને સુંદર પુત્રવધુ મળી છે. " 
  સવિતાબહેન પણ પોતાની રૂમમાં ગયા ને એક દાગીનાની ડબ્બી લઇ આવ્યા ને એમાંથી સોનાની ચેઈન કાઢીને નવનીતરાયને આપી ને મનોજને પહેરાવવા ઈશારો કર્યો.  તો નવનીતરાયે  મસ્તી કરી કે " કેમ સવિતા, તને પણ ખાતરી હતી કે આ  સંબંધ બંધાવાનો  છે એટલે તે પણ તૈયારી કરી રાખી " બધા નવનીતરાયની વાત સાંભળીને હસવા લાગ્યા।  ત્યારે સવિતાબહેને થોડું ગંભીર થઈને કહ્યું કે " દીકરીની માં તો દીકરીનાં જન્મથી જ દીકરીનાં લગ્નની તૈયારી કરતી હોય છે. " વાતાવરણ ગંભીર થઇ ગયું.  ત્યાં ઉષાબહેન બોલ્યા " એકદમ સાચી વાત કરી વેવાણ , આ વાત આ પુરુષો શું જાણે ?" વાતાવરણ વધારે ગંભીર થાય એની પહેલા મનસુખભાઈ એ પોતાના સ્વભાવ પ્રમાણે કહ્યું " અરે વાહ તો તો અમને ઘણું મળશે 25 વર્ષનું ભેગું કરેલું તો ઘણું જ હોય ને " ને વાતાવરણ પાછુ હળવું થઇ ગયું . હવે નવનીતરાયે, મનુકાકા ને નાસ્તાની તૈયારી કરવા કહ્યુ બધા નાસ્તાનાં ટેબલ પર ગોઠવાણા . સવીતાબહેન અને ધ્વનિ પણ મનુકાકાની મદદ કરવા લાગ્યા. ધ્વનિ બધાની પ્લેટમાં એક એક 
કરીને રવાનાં ઢોકળાખાખરા ગુલાબજાંબુ રાખતી હતી તે જેવી મનોજ પાસે ગઈ મનોજ જાણે આજુબાજુ આટલા લોકો છે  પણ ભૂલી ગયો અને ધ્વનિ ની સુંદરતા  ને નીરખી રહ્યો . માનસીનું ધ્યાન ગયુ એને થયુ કે આટલા વડિલો વચ્ચે મનોજ ને વઢ પડશે એટલે એણે ધ્વનિ ને 
કહ્યુ " ભાભી મને પણ ખાખરો આપજોને."  ને મનોજ જાણે હકીકતની દુનિયામાં આવ્યો. પણ જાણે એને ગમ્યુ નહી કે ધ્વની એનાથી દૂર થાય . 
  નાસ્તો કરતા કરતા મનસુખભાઈનાં ભાભી બોલ્યા કે " મને એક વાત ગમી કે તમે નાસ્તા માં આઠમને યાદ રાખીને બધુ બનાવ્યુ છે " મનસુખભાઈ નાં ઘરનાં ની  વાત ધવનિને બહુ ગમી હતી કે તેઓ બધી ગમતી અને સારી વાત પ્રેમથી કહેતા હતા. 
નાસ્તો કરી લીધા પછી નવનીતરાયે બધાને કહ્યુ કે " ચાલો આપ બધાને આખો બંગલો બતાવીયે . " મનસુખભાઇ બોલ્યા " આજે નહી પછી કયારેક વાત પણ હા બચ્ચાઓને જોવો હોય તો તેઓ જોઇ આવે "
 નવનીતરાયે ધ્વનિને કહ્યુ " જા ધ્વનિ બધાને બંગલો બતાવ " 
હવે ધ્વનિ માનસી સ્મિતા અને મનોજ ને લઇને આખો બંગલો બતાવવા ગઇ . મનોજ મોકો શોધતો હતો કે થોડીવાર ધ્વનિ સાથે એકલામાં 
વાત કરવા મળે . પણ માનસી આજે પુરા મસ્તી નાં મુડ માં હતી તેને મનોજ ને હેરાન કરવો જ હતો એટલી એ જાણીજોઈને એને એકલી નહોતી મુકતી ને ધ્વનિ એ ભાઈ ની અકળામણ અને બહેન ની મસ્તી જોઇને ખુશ થતી હતી .વારાફરતી ધ્વનિ એક પછી એક રૂમ બતાવતી હતી . જ્યારે ધ્વનિ નો રૂમ આવ્યો ત્યારે તે રૂમ માં તેઓ પ્રવેશતા હતા ત્યારે માનસી ને મનોજ પર દયા આવી જ ગઈ એણે ધ્વનિ ને કહ્યું ભાભી અમને તો તમારી ટેરેસ ના ફૂલ બહુ ગમ્યા છે અમે જરા એ જોઇને આવીએ પાંચ મિનીટ માં . મનોજના  ચહેરા પર ખુશી ની લહેરખી દોડી ગઈ ને ધ્વનિ આ જોઇને શરમાઈ ગઈ . પણ માનસી ની મસ્તી ઓછી નહોતી તે જતા જતા મનોજ ને કહેતી ગઈ ભાઈ થેન્ક્સ કહો મને. ને ઓલ ધ બેસ્ટ ઓકે .. ને તે બંને બહેનો હસતા હસતા ધ્વનિનાં રૂમની લગોલગ આવેલી ટેરેસ પર ચાલ્યા ગયા.
  હવે મનોજ અને ધ્વનિ એકલા પડ્યા . મનોજને જે પળ ની આતુરતાથી રાહ હતી તે પળ આવી ગઈ હતી . તેને ખબર હતી સમય બહુ ઓછો હતો . નીચે આખું કુટુંબ રાહ જોતું હતું. બંનેના હૃદયની ધડકન વધી ગઈ હતી . પણ મનોજ આ સમયને વેડફવા નહોતો માંગતો તે ધીરેથી ધ્વનિ ની પાસે ગયો ધ્વનિ નો હાથ પોતાના હાથ માં લીધો . પુરુષના પહેલી વારના સ્પર્શથી ધ્વનિ નું રોમરોમ જાણે  પુલકીત થઇ ગયું એના શ્વાસની જડપ જાણે વધી ગઈ હતી . એને થતું હતું કે એ મનોજનો સહારો લઈને એની બાહોમાં પોતાને સમાવી દે. પણ હમણા પોતા પર કાબુ રાખવાનો હતો. મનોજે ધીરેથી ધ્વનિના હાથ પર ચુંબન કર્યું . ને ધ્વનિની આંખો પોતે જ બંધ થઇ ગઈ . ને મનોજે એની એ બંધ આંખો પર પણ એક ચુંબન કર્યું . ત્યારે ધ્વનિ થી કહેવાઈ ગયું બસ મનોજ મન કહેતું હતું કે મનોજ દુર થાય જ નહિ પણ માનસીનાં આવી જવાનો ડર પણ હતો. ત્યાં સાચ્ચે જ માનસીની બુમ  સંભળાણી . મનોજ ભાઈ આવીએ કે ? ને ધ્વનિ તરત જ મનોજ થી થોડી દુર જતી રહી .. માનસી એ આવીને મનોજ ને કહ્યું ભાઈ આજે અહી જ રોકાઈ જાવ ને ને મનોજે , માનસીનાં કાન પકડીને કહ્યું આજે બહુ મસ્તીએ ચડી છો ને કઈ. ચલ ઘરે જો તું તારું શું કરું છુ ? ને માનસી ને સ્મિતા બંને બહેનો હસવા લાગી . માનસી , ધ્વનિ પાસે ગઈ પાછી એક કિસ કરીને કહ્યું પ્રભુ , મારી ભાભી ને અને મારા ભાઈના પ્રેમ ને કોઈની એ નજર ન  લાગે.  કદાચ બધા પ્રભુ પાસે એ જ માંગે છે પણ ભવિષ્યના ગર્ભમાં શું છુપાણુ  હોય છે કોને ખબર હોય છે ?

ક્રમશ 

Thursday, September 19, 2013

અંતઃ પ્રતિતિ ભાગ 14



મનોજ એ કહ્યું ધ્વનિ , મને નથી ખબર કે તમારો ઉછેર કેવી રીતે થયો છે ? પણ હું મારા ઘર વિષે થોડું તમને જણાવી દઉ . આપણે આ નવા જમાનાના છોકરાઓ છીએ. પણ અમારા ઘરમાં આજે પણ ચુસ્ત જૈન ધર્મ પળાય છે . અમારા ઘરે આજે પણ બને ત્યાં સુધી બધા ચોવિયાર કરે છે. હા, ક્યાંક બહાર જવાનું થાય તો છુટ પણ અપાય છે . આજે પણ રોજ બધા દાદાની પૂજા કરે છે . શું તમને આવા ઘરમાં લગ્ન કરવા ગમશે ? આવું વાતાવરણ તમને ફાવશે ? આ બધું તમને એટલા માટે કહું છુ કે લગ્ન પછી તમને એકે વાર અફસોસ ન થવો જોઈએ કે હું ક્યા જુનવાણી ઘરમાં આવી ગઈ ? અમારી રહેણી કરણી ખૂબ જ સાદી છે , કોઈ પણ પ્રકારનું બાહ્ય આડંબર નથી એટલે તમે જે જવાબ આપો એ પહેલા આ બધું વિચારજો પછી જ હા પાડશો.. મનોજ હજી આગળ પણ કઇક કહેવા જતો હતો ત્યાં ધ્વનિ એ એને અટકાવ્યો ને કહ્યું મનોજ , આ બધી  પછી ની વાત છે. પહેલા મારી પાસેથી એ તો જાણો કે મને તમે પસંદ છો કે નહી ને ધ્વનિ હસતી રહી . એને હસવું આવતું હતું કે મનોજે તો નક્કી કરી લીધું કે ધ્વનિ હા જ પાડવાની હતી , ને પોતાની હા છે એ પણ તેણે આ બધી વાતો કરીને આડકતરી રીતે કહી દીધું હતું. હવે એને મનોજ ને ચીડવવામાં મજા આવતી હતી. મનોજ થોડો શરમાઈ ગયો કે હા એ સવાલ વધારે મહત્વનો હતો , એમાં હા પડે તો જ આ બધા સવાલ આવતા હતા. એટલે એણે પોતાનો ગોરો ચહેરો જે શરમ થી લાલ થઇ ગયો હતો તે ઉપર કરીને કહ્યું તો પહેલા એ જ કહી દ્યો કે તમને હું ગમ્યો કે નહી ?ને ધ્વનિ એની નિખાલસતા થી જોરથી હસી પડી . ને કહ્યું મનોજ , હા મને તમે ગમો છો . અને બીજી વાત કે ધર્મ પાળતા લોકો ને જુનવાણી ના કહેવાય . આજે તમારા ઘરના વડીલો મને જોવા આવ્યા હતા . હું ડ્રેસ માં હતી પણ મને જોઇને કોઈને ન ગમ્યું હોય એવું મને ન લાગ્યું , ને મને તો આકાશમાં ઉડતા પંખીઓ ગમે , દરિયાનાં કિનારે બેસવું ગમે તો એ બધામાં તો સાદગી જ ચાલે , બસ ખાલી થઈને જ એ બધી વાતો ને આપણે માણી શકીયે . શું તમને મને સાથ આપવો ગમશે ?
  મનોજ ને ધ્વનિ નો જવાબ સાંભળીને થયું કે તે સાતમાં આસમાને વિહાર કરી રહ્યો છે . તે બહુ જ રાજી થયો તેણે ધ્વનીને કહ્યું ધ્વનિ મેં જ્યારે પણ મારી જીવનસંગીની  વિષે વિચાર્યું છે તો તારા જેવી જ જીવનસાથી વિચારી હતી
 ધ્વનિ,મનોજ ના અચાનક તમે પરથી તું પર આવેલા બદલાવ થી હસી પડી . ને બોલી કે હવે અંદર જઈયે, બધા આપણા  જવાબ ની રાહ જોઇને બેઠા હશે ને મનોજ પણ રાજી થતો થતો અંદર ગયો . જેવા તેઓ રૂમ માં પ્રવેશ્યા . બધાની નજર એ બંને પર પડી . બધાના ચહેરા પર એક જ પ્રશ્ન , કે શું વિચાર્યું ? પણ મનોજ આવીને પોતાની બંને બહેનો પાસે  બેસી ગયો . કોઈને કઈ ખબર નહોતી પડતી કે તેઓ બંને શું નક્કી કરીને આવ્યા હતા ? આખરે બંને  બહેનો થી ન રહેવાણુ  એમણે પૂછી જ લીધું ભાઈ કહોને શું નક્કી કર્યું ? ને બંને બહેનોની આતુરતા જોઇને ઘરમાં બેસેલા બધા જ હસી પડ્યા . કારણ સવાલ જરા મોટેથી પુછાઈ ગયો હતો કે જે બધાને સંભળાયો હતો. મનોજે કહ્યું હવે તમને બંને ને તો ધ્વનિ બહુ ગમી લાગે છે તો ચાલો મને પણ પસંદ છે તમારી ભાભી તરીકે બસ, ખુશ હવે
 બને બહેનો, ભાઈને ભેટી પડી ને દોડીને ધ્વનિ પાસે જઈને બંને એ ધ્વનિ ને એક એક કિસ કરી , ધ્વનિ ને ખૂબ જ શરમ આવતી હતી . એ પોતાની મમ્મી ની પાછળ ઉભી રહી ગઈ ને એની  આ અદાથી પાછુ ઘરમાં હાસ્ય નું વાતાવરણ ફેલાઈ ગયું . નવનીતરાય ને સવિતાબહેન ની આંખ માં ખુશીના અશ્રુ આવી ગયા . પણ મનસુખભાઈએ પાછુ વાતાવરણ સંભાળી લીધું ને બોલ્યા નવનીતરાય , બસ ખુશ થાવ કે આપણે વિચાર્યું હતું તે જ થયું , પણ મને સંસ્કારી વહુ મળી છે તેમની તમને જલન થાય છે કે રડો છો ને એમની આ મજાક થી નવનીતરાય અને સવિતાબહેન પણ હસવા લાગ્યા . આખા ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઇ ગયું . સવિતાબહેને ધ્વનિને ઈશારો કર્યો ને ધ્વનિ બધાને પગે લાગી . મનોજ પણ ધ્વનિના મમ્મી પપ્પાને પગે લાગ્યો. પણ ઉષાબહેન ને સુજતુ ન હતું કે વહુના હાથ માં આપે શું ? એમણે પ્રશ્નાર્થ ભરી નજરે પતિ સામે જોયું . ને મનસુખભાઈ એ કોટના ખીસામાંથી એક નાનકડી દાગીનાની ડબ્બી કાઢી . ને ઉષાબહેન ને આપી . ઉષાબહેન સાથે બધાના ચહેરા પર અચરજ હતું કારણ અચાનક નક્કી થયેલી વાત હતી એટલે બધાને એમ  હતું કે મનસુખભાઈ ખીસામાંથી રોકડા રૂપિયા કાઢશે. પણ દાગીનાની ડબ્બી જોઇને બધાના ચહેરા પર અચરજ જોઇને મનસુખભાઈ એ કહ્યું શું બધા આમ જુવો છો ? હું મારી વહુને શું ખાલી હાથે આશીર્વાદ આપત તો લઈને આવ્યો હતો . કારણ મેં તો ધ્વનિ ને દેરાસરમાં જ વહુ માની લીધી હતી ને મને ખાતરી હતી કે તમને બધાને ધ્વનિ પસંદ પડશે જ.
 ઉષાબહેને મસ્તી ભર્યા અવાજે કહ્યું સાંભળ્યું હતું કે સસરા ને વહુ બહુ વ્હાલી હોય , પણ આજે જોઈ પણ લીધું ને ઘરમાં પાછુ હાસ્યનું મોજું ફરી વળ્યું
                                                                                   ક્રમશ 

Wednesday, September 18, 2013

અંતઃ પ્રતિતિ ભાગ ૧૩

મનસુખભાઈ શું બોલશે એની આતુરતાથી નવનીતરાય ને રાહ હતી . મનસુખરાય  બોલ્યા સૌ પ્રથમ તો નવનીતરાય હું માફી માંગુ છુ કે તમને બહુ રાહ જોવડાવી પણ કુટુંબ માં એક અજુગતો બનાવ બની ગયો હતો , એમાં મુંજાઈ ગયા હતા. પણ હવે બધું બરોબર છે .તો જો તમને તકલીફ ન હોય તો રવિવારે તમે કહો ત્યાં આપણે મળવાનું ગોઠવીયે .
નવનીતરાય આ સાંભળીને બહુ ખુશ થયા એમણે કહ્યું અરે તકલીફ શેની ? ચોક્કસ થી મળીયે . આપ બધા રવિવારે અમારા ઘરે જ આવો. આપણે બહાર ક્યાય નથી મળવું.
મનસુખરાય જાણે આ જ વાતની રાહ જોઇને બેઠા હતા . એમણે તરત જ વાત પકડી લીધી ને કહ્યું હા મને પણ એ જ વધારે ગમશે તો નવનીતરાય બોલ્યા તો સારૂ તમે કહી દ્યો કે ક્યા સમયે આવશો ?
મનસુખરાયે તરત કહ્યું અમે ચાર વાગ્યાની આસપાસ આવશું , પણ અમે કુલ્લે સાત લોકો આવશું . તમે ડરી તો નહિ જાવને અને પછી પોતાની મજાક પર પોતે જ જોર જોર થી હસવા લાગ્યા . નવનીતરાય ને એમાંના મજાકિયા સ્વભાવની જાણ હતી . એટલે તેઓ પણ હસવા લાગ્યા અને બોલ્યા ના ના, નહિ ડરીયે તમે ચોક્કસ બધા આવો . અને ફોન બંધ થયા . નવનીતરાયે જાણે રાહત નો શ્વાસ લીધો . આજે એમને ખબર પડતી હતી કે દીકરી નો બાપ કેટલો પણ પૈસાદાર પણ હોય . પણ બધા જ દીકરીના બાપની ચિંતા કદાચ એક સરખી જ હોય છે. એમણે તરત સવિતાબહેન ને ફોન કરીને બધું જણાવ્યું , તેઓ પણ ખુશ થયા . ઓફિસમાં તેમણે ધ્વનિને બધું જણાવ્યું . ધ્વનિ એ શરમાઈને નજર નીચી કરી લીધી . નવનીતરાયે આંખમાં અશ્રુ સાથે દીકરીના માથા પર હાથ રાખ્યો ને મનોમન પ્રભુને પ્રાર્થના કરી કે મારી દીકરી માટે જે કરો તે તેના ભલા માટે કરજો પ્રભુ .
 ઘરે આવીને નવનીતરાય, સવિતાબહેન  સાથે બેસીને રવિવારે મહેમાનોનું સ્વાગત કેવી રીતે કરશું ? નાસ્તામાં શું રાખશું ? ઘર કેવી રીતે સજાવશું ? ધ્વનિ શું પહેરશે ? તેમની વાતો ચાલતી હતી ત્યાં ધ્વનિ આવી અને એમની વાતો સાંભળીને બોલી પપ્પા , રવિવારેઆઠમ  છે તો નાસ્તામાં એ વાત યાદ રાખજો .
 નવનીતરાય એ કહ્યું સારું થયું બેટા તે યાદ  કરાવ્યું , અમેં  બંને ભૂલી ગયા હતા.  હવે એ પ્રમાણે નાસ્તો નક્કી થયો કે જે આઠમ માં ચાલે.
 આખરે રવિવાર આવી ગયો .સવારથી નવનીતરાય ,ઘરના  માણસો પાસેથી પોતે માથા પર ઉભા રહીને કામ લેતા હતા. સોફાના કવર સાથે પરદા બધું બદલાવ્યું . બેઠકો પણ બદલી નાંખી . ફ્લાવર વાઝમાં ગાર્ડન માંથી જાતે જઈને તાજા ફૂલો લાવીને સજાવવા લાગ્યા . તો સવિતાબહેન પણ સવારથી નાસ્તાની તૈયારી માં લાગ્યા હતા . ઘરમાં આટલી ધમાલ જોઇને ધ્વનિ વિચારતી હતી કે કેવો છે દુનિયાનો ક્રમ કે પહેલા દીકરીને લાડકોડ થી મોટી કરો ને પછી હોશે હોશે બીજાને સોપી દ્યો . ધ્વનિ ને પોતાના માતાપિતાના  ચહેરા પર મિશ્રિત લાગણીઓ દેખાતી હતી કે જેમાં ખુશી હતી કે સારા ઘર માં થી માંગુ આવ્યું હતું , દીકરીની વિદાયનું દુખ હતું અને દીકરીના ભવિષ્યની ચિંતા પણ હતી . બપોરે ૩.૩૦ વાગે મનસુખભાઈનો ફોન આવ્યો કે અમે અમારા ઘરે થી આપના ઘરે આવવા  નીકળી ગયા છે બસ અળધી  કલાક માં   પહોચશું .  નવનીતરાય ના ઘરમાં તો બધા જ જાણે આવવાવાળા મહેમાન ને આવકારવવા  તૈયાર થઇ ગયા . . પાકું ચાર વાગે નવનીતરાયના ઘર પાસે બે કાર ઉભી રહી. નવનીતરાય ને સવિતાબહેન દરવાજા પાસે ગયા ને બધાનું હૃદય થી સ્વાગત કર્યું .  મનસુખભાઈએ બધાની ઓળખાણ કરાવી . એમાં એમના પત્ની ઉષાબહેન , દીકરી માનસી , દીકરો મનોજ , મોટા ભાઈ , ભાભી ને તેમની પરણેલી દીકરી હતા. બધાએ એકબીજાને જયજીનેન્દ્ર  કહ્યા. નવનીતરાય બધાને પોતાના બંગલામાં લઇ ગયા . બંગલાની અંદર જતા બધાને બંગલાની સજાવટ  ખૂબ જ ગમી  , સાદગી ભર્યું સૌન્દર્ય હતું , બધી જ એન્ટીક વસ્તુઓ થી ઘર ભરેલું હતું કે જે હતું મોંઘુ  પણ કયાય જાકજમાટ નહોતો  , આવી વસ્તુ ઓ જોઇને મન ને જાણે શાતા વળતી હતી . બધાએ મન ભરીને બંગલાની સજાવટનાં વખાણ કર્યા. બહુ બધી વાતો ચાલી . આખરે મનસુખભાઈ એ પોતાના મજાકિયા સ્વભાવમાં કહ્યું નવનીતરાય , હવે અમે જેને જોવા આવ્યા  છે એને તો બોલાવો , ક્યાંક અમે પણ વાતો માં એ જ વાત ભૂલી ન જઈએ ને ચાલ્યા ન જઇયે એમનાં મજાકથી ઘરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું . સવિતાબહેન ઉભા થયા ને ધ્વનિ ને લેવા એની રૂમમાં ગયા. સવીતાબહેન  સાથે જ્યારે ધ્વનિ બહાર આવી , મનસુખભાઈ ની નજર જાને ધ્વનિ પર જ રહી ગઈ . આસમાની કલરનો સુંદર અનારકલી ડ્રેસ પહેર્યો હતો. તે પોતે તો સુંદર હતી જ અને એમાં આ કલર એની સુંદરતામાં હજી વધારો કરતો હતો. મેકઅપના કોઈ થથેડા ન હતા . એકદમ સાદો મેકઅપ પણ એનું સૌન્દર્ય વધારતું જ હતું , લાગતું હતું જાણે આસમાની પરી ઉતરી આવી હતી  .
 મનોજનાં ચહેરાના ભાવ પણ કહેતા હતા કે તેને ધ્વનિ ખૂબ જ ગમી ગઈ હતી . તેની કલ્પના ને અનુરૂપ  જ ધ્વનિ હતી તેણે આવી જ સુંદર પત્ની ની કલ્પના તો કરી હતી . નવનીતરાય અને સવિતાબહેને પણ મનોજનાં ચહેરાને વાંચી લીધો હતી ને મનોમન ખુશ થયા હતા.
 ધ્વનિ જેવી બધાની પાસે ગઈ એણે સૌથી પ્રથમ બધાને જયજીનેન્દ્ર કહ્યા , અને એની આ વાત ધર્મપ્રિયની સાબિતી હતી એની સાલીનતાથી ત્યાં આવેલા વડીલો બધા જ રાજી થયા . મનસુખભાઈ તો ધ્વનિ  પોતાની વહુ બનશે એ વિચારીને જ ઉત્સાહી હતા.
   ધ્વનિ પણ ત્યાં જ બધા સાથે એક સોફા પર બેઠી , એ થોડી થોડી વારે મનોજ ને જોઈ લેતી . એ હમણાં કોઈ વાત નક્કી કરવા નહોતી માંગતી કે એને મનોજ ગમ્યો કે નહિ , કારણકે એનું માનવું હતું કે ફક્ત દેખાવ નહિ પણ બોલવાની રીત થી વ્યક્તિ કેવો છે એ ખબર પડે છે . ધ્વનિ એ આ વાત પહેલા જ પોતાના પપ્પાને કહી દીધી હતી .
  મનુકાકા અને કાકી થોડી થોડી વારે કઇક ને કઈક નવું નવું ખાવા પીવા આપી જતા હતા. છેલ્લે મનસુખભાઈ એ કહ્યું કાકા આટલી સંભાળ ના લો, નહીતો અહિયાં જ રોકાઈ જશું
 કાકાએ તરત જવાબ આપ્યો સાહેબ રોકાઈ જાવો ને , અમારા શેઠનું હૃદય બહુ મોટું છે , તમને સંભાળવામાં કોઈ કમી નહિ આવવા દે
   મનસુખભાઈ, કાકા નો જવાબ સાંભળીને ખુશ થઇ ગયા એમને નવનીતરાયને કહ્યું સંસ્કાર આનાથી ઓળખાય છે કે કાકા એ પણ તમારૂ  ઘર મોટું છે એમ ન કહ્યું પણ હ્રદય મોટું છે એમ કહ્યું . એ મને ગમ્યું
 સવિતાબહેન ને મનસુખભાઈની આ વાત ગમી . હવે બધાનું ધ્યાન હતું કે આ વાત આગળ વધે તો સારું . મનસુખભાઈ એ બધાને ઇશારાથી ધ્વનિ વિષે પૂછ્યું , બધાની સમંતિ મળી ગઈ . મનોજ તરફ તેમણે જોયું . આ બધું જ સવિતાબહેન જોતા હતા . હવે તેમને પણ રાહ હતી કે મનોજ શું જવાબ આપે છે ? ને મનોજે ઇશારાથી કહ્યું કે મને ખૂબ ગમી છે પણ મારે બહાર જવું છે . ને એના આ ઇશારાથી સવિતાબહેન બહુ જ રાજી થયા . કારણકે ધ્વનિની પણ એ જ જીદ હતી કે વાત કર્યા વગર તે હા નહિ પાડે. ને મનોજ ની પણ એ જ ઈચ્છા હતી તો હવે એમણે સામેથી કઈ કહેવું નહિ પડે ને ધ્વનિ ની મરજીનું પણ થઇ જશે .
 મનસુખભાઈ એ પોતાના ભાઈ ને ભાભી ને અને નવનીતરાય ને ઉદેશીને પૂછ્યું કે જો આપ સર્વેની રજા હોય તો મારી ઈચ્છા છે કે મનોજ અને ધ્વનિ એકબીજાને એકલામાં થોડું મળી લે . બધાએ હા પાડી , એટલે મનોજ ઉભો થયો , એટલે સવિતાબહેને પણ ધ્વનિ નો  હાથ પકડીને કહ્યું   કે જા ધ્વનિ આપણું ગાર્ડન તો મનોજ ને બતાવ.
ધ્વનિ અને મનોજ એમના ગાર્ડન માં ગયા . હવે વાતની શરૂઆત કોણ કરે એ બંને માં થી કોઈને સમજાતું ન હતું . આખરે મનોજે કહ્યું તમારું ગાર્ડન તામારા જેવું જ સુંદર છે ને ધ્વનિ એની આવી માસુમ વાતથી હસી પડી . ને એની મુસ્કાન થી મનોજ પણ હસી પડ્યો.
  પણ અચાનક મનોજ થોડી ગંભીર થઇ ગયો અને એને ધ્વનિ ને કહ્યું કે મારે તમને એક વાત કહેવી છે , એ તમે ધ્યાન થી સાંભળજો પછી જ કોઈ નિર્ણય  પર આવશો
ને ધ્વનિ વિચારવા લાગી કે એવી કઈ વાત હશે કે મનોજ આટલો ગંભીર થઇ ગયો. એને હજારો વિચાર આવી ગયા પણ હવે મનોજ બોલે એની રાહ જોવા સિવાય બીજો રસ્તો ન હતો ..
                                               ક્રમશ  


Saturday, September 7, 2013

અંતઃ પ્રતિતિ ભાગ 12

  એટલું બોલીને ધ્વનિ પાછુ નીચું જોઇને બેસી ગઈ..હવે નવનીતરાયની અને સવિતાબહેનની  અકળામણ વધતી  જતી હતી ..એમને થતું હતું કે શું કહેશે ધ્વનિ ?

  પણ હવે ધ્વનિ વધારે વાર પોતાને ગંભીર ના રાખી શકી એણે ઉપર જોયું ને મમ્મી પપ્પા સામે જોઇને જોર જોર થી હસવા લાગી ને બોલી શું મમ્મી તમે પણ ..! અરે બાબા મારા જીવનમાં કોઈ નથી આવ્યું જેનાથી તમને ચિંતા થાય . ! એટલે  ફિકર ન કરો .. એનું હસવું બંધ નહોતું થતું . હસતા હસતા એ બોલી હજી તો હું વધારે તમને બંનેને હેરાન કરવાની હતી. પણ તમને જોઇને એમ થયું કે  જો વધારે લાંબુ ચલાવીશ તો તમને બંને ને કઈક થઇ જશે એટલે જણાવી દીધું !

દીકરીની આ ખોટી બનાવટથી બંનેનાં  ચહેરા હસી ઉઠ્યા ને મન પર જે બોજો હતો તે દૂર થઇ ગયો . નવનીતરાય બોલ્યા ધ્વનિ બેટા ખરેખર  મને તારા પર બહુ ગર્વ છે કે તું મારી દીકરી છો . ત્યારે ધ્વનિ એ થોડું ગંભીર થઇને કહ્યું  પપ્પા હું એમ નહિ કહું કે મને કોઈ નથી ગમ્યું . પણ હા પાત્ર મેં સારો જ જ્યો હતો..પણ સારું થયું કે મને ખબર પડી કે એ બીજા કોઈને પ્રેમ કરે છે એટલે હું ચુપ થઇ ગઈ. . પછી મને કોઈ ગમ્યું પણ નહિ અને પછી મેં વિચાર્યું પણ નહી કારણકે હું તમારા બંને ની ચિંતા સમજતી હતી . મને ખબર હતી કે હું આપનું એક માત્ર સંતાન છુ ને મારી પાસે થી તમને બહુ બધી આશા બંધાયેલી છે. કે જે મારે યાદ રાખવું જોઈએ. પણ મમ્મી, પપ્પા મને એક વાત કહો કે જો હું મારા ગમતા વ્યક્તિ સાથે લગ્ન કરવાનું કહેત તો શું તમારી માટે આદર સન્માન ઓછા થઇ જાત . શું તમારી માટેનો મારો પ્રેમ મારો ઓછો થઇ જાત . શું બાળકોને પ્રેમ કરવાનો કોઈ હક્ક નથી . શું બાળકોના નિર્ણય ખોટા જ હોય ?

આટલું બોલીને ધ્વનિ ચુપ થઇ ગઈ.. નવનીતરાય અને સવિતાબહેન પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો. કારણ મહદ અંશે ધ્વનિની વાત સાચ્ચી હતી . પણ માતા પિતા પોતાનું વલણ બદલાવી ક્યાં શકે છે ?

    એમને બહુ વિચાર કરતા જોઈ ધ્વનિ ને એમ લાગ્યું કે વાતાવરણ થોડું હળવું કરવું જોઈએ. એટલે ધ્વનિ બોલી કે ચાલો હવે જમશું કે નહી. પછી એણે ત્યાં પડેલા તપેલા ઉપાડીને રસોડા તરફ જતા કહ્યું કાકા પ્લીસ આ બધું પાછુ ગરમ કરી આપો, બધું ઠંડુ થઇ ગયું મારા પ્રેમનાં ચક્કરમાં . કાકી એ એના હાથમાંથી બધું લઇ લીધું ને કહ્યું  બેટા તું બેસ હમણા બધું લઇ આવીએ છે ગરમ ગરમ.. વાતાવરણ હળવું થયું બધા ભર પેટ જમ્યા .. જમીને ઉઠ્યા  એટલે હવે ધ્વનિ હારે વાત કરવાની હતી કે છોકરાવાળાઓ જોવા ક્યારે આવે.. પણ બંનેને ડર લાગતો હતો કે ધ્વનિ ને કેવી રીતે કહેવું ? ત્યાં ધ્વનિ એ જ પૂછ્યું પણ મમ્મી મને એક વાત કહો કે આ બધી વાત આવી ક્યાંથી ? આ બધું પૂછવા પાછળ કઈક તો કારણ હશે ને ને નવનીતરાયને મોકો મળી ગયો. એમણે વાત નો સંચાર પકડી લીધો . ને બોલ્યા હા ધ્વનિ બહુ મોટું કારણ છે, ચલ જરા વાર આપણે ત્રણે જણ ગાર્ડન માં બેસીએ ને વાત કરીએ..  ધ્વનિ એ મસ્તી કરતા કરતા કહ્યું એટલે આજે તમે નક્કી જ  કરી લીધું લાગે છે કે હવે મને આ ઘરમાં રહેવા જ નહી દ્યો એમને ?

 નવનીતરાયે, ધ્વનિનાં માથા પર હાથ રાખીને કહ્યું કે  બેટા મારું ચાલે તો હું તને ક્યાય ન મોકલું. પણ મારા સ્વાર્થ માટે હું તારો સંસાર શરુ ન કરું એટલો તો ખરાબ ન બની શકું ને..બધું પોતપોતાના સમય પર થાય ને એ જ સારું રહે બેટા ધ્વનિ ને સવિતાબહેન થી નવનીતરાય ની ભીની આખો છુપી ન રહી .. પણ ધ્વનિ એ પાછુ વાતાવરણ હળવું કરતા કહ્યું ચાલો ત્યારે , કહો શું કહેવું છે.. હું પણ હવે સંસાર શરુ કરવા માટે વિચારી જ લઉં . સવિતાબહેન ને પોતાની દીકરી પર ગર્વ થયો કે વાતાવરણ સંભાળતા કેટલું સારી રીતે ધ્વનિ ને આવડે છે.

 ગાર્ડન માં બેસીને નવનીતરાયે ધ્વનીને  બધી વાતો કરી ., મનસુખરાયે  જે કહ્યું હતું તે બધું જ કહ્યું ને કહ્યું એમને રાત સુધી જવાબ આપવાનો છે કે તેઓ ક્યારે ઘરે આવે ? હવે તેઓ ચુપ થઇ ગયા ને ધ્વનિના જવાબ ની રાહ જોવા લાગ્યા . ધ્વનિ એ એના પપ્પાને કહ્યું પપ્પા , મને એક વાત ખૂબ જ ગમી કે તમે એમની સામે મારું અને મમ્મી નું માન  વધાર્યું, તમારી રીતે તમે હા પાડીને ના આવી ગયા . ને બીજી વાત તમને મારી માટે મારા કરતા વધારે ચિંતા હોય એ હું જાણું છુ એટલે તમારે જે નક્કી કરવું હોય તે કરી લ્યો ..

 ને એ શરમાતી શરમાતી પોતાની રૂમ તરફ ચાલી ગઈ . નવનીતરાય હવે પોતાનાં આંસુ ન રોકી શક્યા . એમને સવિતાબહેન નો હાથ પકડી લીધો ને ચોધાર આંસુ એ રડી પડ્યા ને બોલ્યા સવિતા સાચ્ચે જ આપણે બહુ પુણ્ય કર્યા હશે કે જેનાથી આપણું બાળક આટલું સંસ્કારી બન્યું

 સવિતા બહેને નવનીતરાયનાં હાથ ની પકડ મજબુત કરી ને કહ્યું બસ દાદાની કૃપા ..

 હવે એમને જરા પણ મોડું કરવું યોગ્ય ના લાગ્યું કારણકે એમણે સાંજે મનસુખારાય સાથેની મુલાકાત વખતે જ એમની આતુરતા જોઈ હતી..

 તેમણે ત્યાંજ બેઠા બેઠા મનસુખરાયને ફોન લગાડ્યો ને કહ્યું કે ઘર માં વાત થઇ ગઈ છે. બધાએ હા પાડી છે . આ સાંભળીને   મનસુખરાય ખૂબ જ રાજી થયા , એમણે કહ્યું સારું નવનીતરાય હું તમને થોડી વારમાં ફોન કરીને કહું કે અમે  ક્યારે ઘરે આવશું ?

    હવે રાહ જોવાનો વારો નવનીતરાય નો હતો. રાત સુધી એમણે રાહ જોઈ પણ ફોન ન આવ્યો. એમને હજારો વિચાર આવી ગયા કે શું થયું હશે ? શું મનસુખભાઈ એ ઘરમાં પૂછ્યા વગર મને વાત કરી હશે ? શું એમનાં દીકરાનાં જીવનમાં બીજું પાત્ર હશે ? પણ તેઓ મનસુખભાઈ નો સ્વભાવ જાણતા હતા એમને ખબર હતી જો એવું કઇક હશે તો મનસુખભાઈ માફી માંગતા પણ અચકાય એમ નહોતા. પણ ફોન જ ન કરે એવું ન બને.. એમને થતું હતું કે ધ્વનિને શું જવાબ આપીશ ? શું કહીશ એને ? રાત આખી જાગવામાં વિતાવી ..

 બીજા બે દિવસ વીતી ગયા પણ મનસુખભાઈ નો ફોન નહોતો. સામેથી કરાય નહી . કરવું શું સમજાતું નહોતું , ઘરે હસીને રહેવું પડે , નહીતો ધ્વનિ ને ખબર પડી જાય કે પપ્પા ને  છોકરાવાળાઓએ   ટેન્શન આપ્યું હતું  તો એ તો મળવાનું જ કેન્સલ કરી નાંખે. નવનીતરાયનું જાણે માથું ફાટતું હતું . પણ કરે શું ?

  ત્રીજે દિવસે તેમણે નક્કી કરી લીધું કે આજે તો સામેથી ફોન કરીને તેઓ પૂછી જ લેશે.. હજી તો વધારે વિચાર કરે ત્યાં એમની ઓફિસમાં મનસુખભાઈ નો ફોન આવ્યો.. નવનીતરાયે ઉચક જીવે ફોન ઉપાડ્યો . ત્યાં સામેથી મનસુખભાઈ બોલ્યા...

                                                                    ક્રમશ