Thursday, September 19, 2013

અંતઃ પ્રતિતિ ભાગ 14



મનોજ એ કહ્યું ધ્વનિ , મને નથી ખબર કે તમારો ઉછેર કેવી રીતે થયો છે ? પણ હું મારા ઘર વિષે થોડું તમને જણાવી દઉ . આપણે આ નવા જમાનાના છોકરાઓ છીએ. પણ અમારા ઘરમાં આજે પણ ચુસ્ત જૈન ધર્મ પળાય છે . અમારા ઘરે આજે પણ બને ત્યાં સુધી બધા ચોવિયાર કરે છે. હા, ક્યાંક બહાર જવાનું થાય તો છુટ પણ અપાય છે . આજે પણ રોજ બધા દાદાની પૂજા કરે છે . શું તમને આવા ઘરમાં લગ્ન કરવા ગમશે ? આવું વાતાવરણ તમને ફાવશે ? આ બધું તમને એટલા માટે કહું છુ કે લગ્ન પછી તમને એકે વાર અફસોસ ન થવો જોઈએ કે હું ક્યા જુનવાણી ઘરમાં આવી ગઈ ? અમારી રહેણી કરણી ખૂબ જ સાદી છે , કોઈ પણ પ્રકારનું બાહ્ય આડંબર નથી એટલે તમે જે જવાબ આપો એ પહેલા આ બધું વિચારજો પછી જ હા પાડશો.. મનોજ હજી આગળ પણ કઇક કહેવા જતો હતો ત્યાં ધ્વનિ એ એને અટકાવ્યો ને કહ્યું મનોજ , આ બધી  પછી ની વાત છે. પહેલા મારી પાસેથી એ તો જાણો કે મને તમે પસંદ છો કે નહી ને ધ્વનિ હસતી રહી . એને હસવું આવતું હતું કે મનોજે તો નક્કી કરી લીધું કે ધ્વનિ હા જ પાડવાની હતી , ને પોતાની હા છે એ પણ તેણે આ બધી વાતો કરીને આડકતરી રીતે કહી દીધું હતું. હવે એને મનોજ ને ચીડવવામાં મજા આવતી હતી. મનોજ થોડો શરમાઈ ગયો કે હા એ સવાલ વધારે મહત્વનો હતો , એમાં હા પડે તો જ આ બધા સવાલ આવતા હતા. એટલે એણે પોતાનો ગોરો ચહેરો જે શરમ થી લાલ થઇ ગયો હતો તે ઉપર કરીને કહ્યું તો પહેલા એ જ કહી દ્યો કે તમને હું ગમ્યો કે નહી ?ને ધ્વનિ એની નિખાલસતા થી જોરથી હસી પડી . ને કહ્યું મનોજ , હા મને તમે ગમો છો . અને બીજી વાત કે ધર્મ પાળતા લોકો ને જુનવાણી ના કહેવાય . આજે તમારા ઘરના વડીલો મને જોવા આવ્યા હતા . હું ડ્રેસ માં હતી પણ મને જોઇને કોઈને ન ગમ્યું હોય એવું મને ન લાગ્યું , ને મને તો આકાશમાં ઉડતા પંખીઓ ગમે , દરિયાનાં કિનારે બેસવું ગમે તો એ બધામાં તો સાદગી જ ચાલે , બસ ખાલી થઈને જ એ બધી વાતો ને આપણે માણી શકીયે . શું તમને મને સાથ આપવો ગમશે ?
  મનોજ ને ધ્વનિ નો જવાબ સાંભળીને થયું કે તે સાતમાં આસમાને વિહાર કરી રહ્યો છે . તે બહુ જ રાજી થયો તેણે ધ્વનીને કહ્યું ધ્વનિ મેં જ્યારે પણ મારી જીવનસંગીની  વિષે વિચાર્યું છે તો તારા જેવી જ જીવનસાથી વિચારી હતી
 ધ્વનિ,મનોજ ના અચાનક તમે પરથી તું પર આવેલા બદલાવ થી હસી પડી . ને બોલી કે હવે અંદર જઈયે, બધા આપણા  જવાબ ની રાહ જોઇને બેઠા હશે ને મનોજ પણ રાજી થતો થતો અંદર ગયો . જેવા તેઓ રૂમ માં પ્રવેશ્યા . બધાની નજર એ બંને પર પડી . બધાના ચહેરા પર એક જ પ્રશ્ન , કે શું વિચાર્યું ? પણ મનોજ આવીને પોતાની બંને બહેનો પાસે  બેસી ગયો . કોઈને કઈ ખબર નહોતી પડતી કે તેઓ બંને શું નક્કી કરીને આવ્યા હતા ? આખરે બંને  બહેનો થી ન રહેવાણુ  એમણે પૂછી જ લીધું ભાઈ કહોને શું નક્કી કર્યું ? ને બંને બહેનોની આતુરતા જોઇને ઘરમાં બેસેલા બધા જ હસી પડ્યા . કારણ સવાલ જરા મોટેથી પુછાઈ ગયો હતો કે જે બધાને સંભળાયો હતો. મનોજે કહ્યું હવે તમને બંને ને તો ધ્વનિ બહુ ગમી લાગે છે તો ચાલો મને પણ પસંદ છે તમારી ભાભી તરીકે બસ, ખુશ હવે
 બને બહેનો, ભાઈને ભેટી પડી ને દોડીને ધ્વનિ પાસે જઈને બંને એ ધ્વનિ ને એક એક કિસ કરી , ધ્વનિ ને ખૂબ જ શરમ આવતી હતી . એ પોતાની મમ્મી ની પાછળ ઉભી રહી ગઈ ને એની  આ અદાથી પાછુ ઘરમાં હાસ્ય નું વાતાવરણ ફેલાઈ ગયું . નવનીતરાય ને સવિતાબહેન ની આંખ માં ખુશીના અશ્રુ આવી ગયા . પણ મનસુખભાઈએ પાછુ વાતાવરણ સંભાળી લીધું ને બોલ્યા નવનીતરાય , બસ ખુશ થાવ કે આપણે વિચાર્યું હતું તે જ થયું , પણ મને સંસ્કારી વહુ મળી છે તેમની તમને જલન થાય છે કે રડો છો ને એમની આ મજાક થી નવનીતરાય અને સવિતાબહેન પણ હસવા લાગ્યા . આખા ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઇ ગયું . સવિતાબહેને ધ્વનિને ઈશારો કર્યો ને ધ્વનિ બધાને પગે લાગી . મનોજ પણ ધ્વનિના મમ્મી પપ્પાને પગે લાગ્યો. પણ ઉષાબહેન ને સુજતુ ન હતું કે વહુના હાથ માં આપે શું ? એમણે પ્રશ્નાર્થ ભરી નજરે પતિ સામે જોયું . ને મનસુખભાઈ એ કોટના ખીસામાંથી એક નાનકડી દાગીનાની ડબ્બી કાઢી . ને ઉષાબહેન ને આપી . ઉષાબહેન સાથે બધાના ચહેરા પર અચરજ હતું કારણ અચાનક નક્કી થયેલી વાત હતી એટલે બધાને એમ  હતું કે મનસુખભાઈ ખીસામાંથી રોકડા રૂપિયા કાઢશે. પણ દાગીનાની ડબ્બી જોઇને બધાના ચહેરા પર અચરજ જોઇને મનસુખભાઈ એ કહ્યું શું બધા આમ જુવો છો ? હું મારી વહુને શું ખાલી હાથે આશીર્વાદ આપત તો લઈને આવ્યો હતો . કારણ મેં તો ધ્વનિ ને દેરાસરમાં જ વહુ માની લીધી હતી ને મને ખાતરી હતી કે તમને બધાને ધ્વનિ પસંદ પડશે જ.
 ઉષાબહેને મસ્તી ભર્યા અવાજે કહ્યું સાંભળ્યું હતું કે સસરા ને વહુ બહુ વ્હાલી હોય , પણ આજે જોઈ પણ લીધું ને ઘરમાં પાછુ હાસ્યનું મોજું ફરી વળ્યું
                                                                                   ક્રમશ 

No comments:

Post a Comment